સુરતમાં ઉધનાના ભરતનગરમાં વયોવૃધ્ધ દંપતિએ પરિવારને નિંદ્વાવસ્થામાં છોડી ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી.
મળતી માહિતી મુજબ ઉધનાના ભરત નગરમાં રહેતા નંદકિશોર ટીકીવાલા અને તેમના ધર્મપત્નીએ રાત્રિના સમયે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.
મૃતક દંપત્તિ તાવ અને ડાયેરિયાની બિમારીથી પીડાઇ રહ્યા હતા.ગણેશ વિસર્જનમાંથી પરત ફરેલા નિઃસંતાન દંપત્તિએ રાત્રે ઝેરી દવા પી લઇને આપઘાત કરી લીધો હતો.
મૃતક દંપત્તિના પરિવારને ઘરમાં કચરાની ટોપલીમાંથી મોસોસીડ-3જી નામની દવાની બોટલ પણ મળી આવી હતી. દંપત્તિની આત્મહત્યાને લઇને ટિકીવાલા પરિવારમાં આશ્ચર્ય અને શોકની કાલીમા છવાઇ ગઇ હતી.
મૃતક જયાબેનના ભાણેજ પ્રેમલભાઇ ટીકીવાલાએ મીડિયા ને જણાવ્યુ હતુ કે જયાબેન તેમની માતા અનસૂયાબેનના બહેન હતા. તેઓ નિઃસંતાન હોવાથી પ્રેમલભાઇ વર્ષોથી તેમની સાથે રહેતા હતા.
પ્રેમલભાઇએ વધુમાં જણાવ્યુ હતુ કે માસા એક રીબીનના કારખાનામાં પેકિંગનું કામ કરીને તેમનો ખર્ચ કાઢી લેતા હતા. જોકે, એકલતાના કારણે તેઓ બંને માનસિક રીતે બિમાર થઇ ગયા હતા અને તેની સારવાર પણ ચાલી રહી હતી. ગણેશ વિસર્જન યાત્રામાં માસા આવ્યા હતા. ત્યારબાદ તેમનું રાત્રિ ભોજન લઇને પોતાના રૂમમાં ચાલ્યા ગયા હતા.
પ્રેમલે કહ્યુ હતું કે અચાનક રાત્રે જયાબેનની ચિચિચારીઓથી તેમના મમ્મી જાગી ગયા હતા અને તેમણે જોયુ કે તેઓ ઉલ્ટીઓ કરી રહ્યા છે. જયાબેનને તરત જ 108ની મદદથી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે માસા ઘેર જ મૃત્યુ પામ્યા હતા.
તપાસ કરતા ઘરમાંથી મોનોસીડ-3જીની બોટલ મળી આવી હતી. આ અંગે ઉધના પોલીસને જાણ કરાતા પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી.
