ભરૂચ એલસીબીએ રૂ.25 લાખ ઉપરાંતનો બિયરનો જથ્થો જપ્ત કરી કન્ટેનર ચાલકની શોધખોળ આરંભી.
અંકલેશ્વર ને.હા.નં. ૮ તિરંગા હોટલ પાસેથી ભરૂચ એલસીબી પોલીસે બિયરનો જથ્થો ભરેલ કન્ટેનર ઝડપી પાડ્યુ હતુ.
ભરૂચ એલસીબી પોલીસ અંકલેશ્વર ને.હા.નં.૮ પર પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલ બાતમીનાં આધારે તિરંગા હોટલ પાસે ઉભેલ કન્ટેનરની પોલીસે તલાસી લીધી હતી અને કન્ટેનર ખોલતા તેમાંથી વિવિધ બ્રાન્ડનો બિયરનો જથ્થો મળી આવ્યો હતો. કન્ટેનરનમાં કુલ 1076 બોક્ષ મળી કુલ ૨૫,૮૨૪ નંગ બિયરનાં ટીન કિંમત રૂપિયા 25,82,400નો મુદ્દામાલ એલસીબી પોલીસે જપ્ત કર્યો હતો. જો કે કન્ટેનર પોલીસને બિનવારસી જ મળી આવ્યુ હતુ. કારણકે ત્યાં તેનો ચાલક કે ક્લિનર કોઈ જ પોલીસની નજરે ચઢ્યા ન હતા. તેથી પોલીસે બિયરનો જથ્થો તેમજ કન્ટેનર કિં.રૂ. ૧૫ લાખ મળી કુલ રૂપિયા 40,82,400નો મુદ્દામાલ જપ્ત કરીને તેનાં ચાલક, ક્લિનરની શોધખોળ આરંભી છે.
વધુમાં એલસીબી પોલીસની તપાસ દરમિયાન કન્ટેનરની કેબીનમાંથી પોલીસને એક બોગસ બિલ્ટી પણ મળી આવી હતી. જેમાં સુરતની સચીન જીઆઈડીસીની વેલ મેક ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી. માંથી એચડીપીઈ ( HDPE )નું મટિરીયલ વડોદરાની સ્ટાનર્ડ પેસ્ટીસાઈડ પ્રા.લી.માં મોકલવામાં આવતુ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
એલસીબી પોલીસે બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી છે અને એક ઉદ્યોગમાંથી અન્ય ઉદ્યોગમાં મટિરીયલ મોકલવાનાં બહાને વિદેશી દારૂનાં માફિયાઓએ કન્ટેનરમાં બિયરનો જથ્થો મોકલવામાં આવી રહયો હતો કે પછી બીજુ કોઈ કારણ જવાબદાર છે તે અંગેની તપાસ ઉપરાંત બિયરનો જથ્થો કયાંથી લાવીને કયાં પહોંચાડવામાં આવી રહયો હતો તે અંગેની ઝીણવટ ભરી તપાસ પણ પોલીસ ચલાવી રહી છે.
