સમગ્ર વિશ્વમાં 25 એપ્રિલે આંતરરાષ્ટ્રીય મલેરિયા દિવસ તરીકે ઉજવાઇ રહ્યો છે. મલેરિયા જેવા રોગ પર નિયંત્રણ મેળવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વના 106 દેશો અને 3.3 બિલિયન લોકો પર મલેરિયાનું જોખમ તોળાઇ રહ્યું છે. 2012ના આંકડા મુજબ વિશ્વમાં 6,27,000 લોકો મલેરિયાના કારણે મોતને ભેટે છે. જેમાંથી મોટાભાગના આફ્રિકન દેશોના બાળકો હોય છે. આફ્રિકા સિવાય એશિયા, લેટિન અમેરિકાના કેટલાક ભાગોમાં મલેરિયાનો રોગ જોવા મળે છે. ભારતમાં દર વર્ષે આશરે 2 લાખ લોકો મલેરિયાનો ભોગ બને છે.જેમાંથી 50,000 લોકો મલેરિયાના કારણે મૃત્યુ પામે છે.
2007માં વર્લ્ડ હેલ્થ એસેમ્બલીના 60મા સેશન દરમિયાન વિશ્વ મલેરિયા દિવસની શરૂઆત કરવામાં આવી. આ દિવસે મલેરિયા કેવી રીતે ફેલાય છે, તેને અટકાવવાના ઉપાયો વગેરે વિશે લોકોને માહિતગાર કરાય છે.
તાજેતરમાં યુરોપને મલેરિયા ફ્રી જાહેર કરવામાં આવ્યું છે. જોકે આ અંગે WHOએ જણાવ્યું હતું કે યુરોપે મોટી સફળતા મેળવી છે પરંતુ તેમણે ભૂલવુ ન જોઇએ કે 1975માં પણ યુરોપ મલેરિયા ફ્રી જાહેર થયું હતું અને 1980માં ફરી મલેરિયાના લક્ષણો જોવા મળ્યા હતા.
દર વર્ષે મલેરિયા ડે અલગ અલગ થીમ પર ઉજવવામાં આવે છે. આ વર્ષે મલેરિયા ડે એન્ડ મલેરિયા ફોર ગુડ થીમ હેઠળ ઉજવવામાં આવી રહ્યો છે. જેનો ઉદ્દેશ 2030 સુધી વિશ્વને મલેરિયા મુક્ત બનાવવાનો છે.અગાઉ નીચે જણાવ્યા મુજબની થીમ પર મલેરિયા ડે ઉજવવામાં આવ્યા હતા.
– 2008 મલેરિયાઃ અ ડિસીઝ વિધાઉટ બોર્ડર
– 2009-10 કાઉન્ટિંગ મલેરિયા આઉટ
– 2011 એચીવીંગ પ્રોગ્રેસ એન્ટ ઇમ્પેક્ટ
– 2012 સસ્ટેઇન ગેઇન્સ,સેવ લાઇવ્ઝઃ ઇનવેસ્ટ ઇન મલેરિયા
– 2013 થી 15 ઇનવેસ્ટ ઇન ફ્યુચરઃ ડિફીટ મલેરિયા
વિશ્વને મલેરિયા મુક્ત કરવા તમે પણ ફાળો આપી શકો છો. તે માટે નીચેની ટિપ્સ અનુસરો અને મલેરિયા મુક્ત બનો.
– સાંજે અંધારૂ થાય ત્યારબાદ ઘરમાં રહો જેથી મચ્છરથી બચી શકાય.
– આખુ શરીર કવર થાય તેવા કપડાં પહેરવા.
– રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો.
– તમારી આજુ-બાજુના વિસ્તારોને સ્વચ્છ રાખો જેથી મચ્છરોનો ઉપદ્રવ ન થાય.
– બિન જરૂરી પાણી ન ભરાઇ રહે તેનું પણ ધ્યાન રાખો.
– જ્યારે વિદેશ પ્રવાસ કરી રહ્યા હોય ખાસ કરીને મલેરિયાનો ચેપ ધરાવતા દેશોમાં ત્યારે એન્ટિ મલેરિયાની દવાઓ સાથે રાખવી.
