દિલ્હીના નજફગઢમાં ટેકનિકલ ખરાબીના કારણે એક એમ્બ્યુલન્સ વિમાનને ખેતરમાં ક્રેશ લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. એમ્બ્યુલન્સ વિમાનમાં ડૉક્ટર અને દર્દી સહિત 7 લોકો મુસાફરી કરી રહ્યા હતા. સદનસીબે સાતેય લોકો સુરક્ષિત છે. જોકે તેમને નાની-મોટી ઇજાઓ પહોંચી છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ એમ્બ્યુલન્સ વિમાન પટનાથી દિલ્હી જઇ રહ્યું હતું. એર અમ્બ્યુલન્સમાં ડૉક્ટર અને દર્દી સહિત 7 લોકો સવાર હતા. દર્દીને મેદાંતા હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી રહ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે વિમાનના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાયા બાદ પાઇલોટે તેને ખેતરમાં લેન્ડિંગ કરાવવાનો નિર્ણય કર્યો હતો. ઉતરાણ કરતી વખતે વિમાન ક્રેશ થઇ ગયું હતું. લેન્ડિંગ દરમિયાન મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને સારવારઅર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.