રાજ્યસભા ચૂંટણી માટે ભૂતપૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમનું ઉમેદવાર તરીકેની યાદીમાં મહારાષ્ટ્રમાંથી નામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પક્ષના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ અને જયરામ રમેશનના નામ અનુક્રમે ઉત્તરપ્રદેશ અને કર્ણાટકમાંથી જાહેર કરવામાં આવ્યા છે.
આ યાદીમાં બીજા અન્ય નામોમાં કર્ણાટકમાંથી ઓસ્કાર ફર્નાન્ડિઝ, પંજાબમાંથી કોંગ્રેસ જનરલ સેક્રેટરી અંબિકા સોની અને છત્તીસગઢમાંથી છાયા વર્મા, ઉત્તરાખંડમાંથી પ્રદીપ તમ્તા અને મધ્યપ્રદેશમાંથી વિવેક તન્ખાને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીએ રાજ્યસભા ચૂંટણી નોમિનેશન અંગેનો નિર્ણય લીધો હતો. રાજ્યસભાની બેઠક માટે કોંગ્રેસ પક્ષમાં મ્યુઝિકલ ચેરની રમત જેવી પરિસ્થિતીનું નિર્માણ થયું હતું. ત્યારે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ રાજ્યસભા ચૂંટણી માટેની યાદી તૈયાર કરવા માટે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે અનેક બેઠકો યોજીને આ નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યસભા ચૂંટણી માટે નોમિનેશન જાહેર કરવાની અંતિમ તારીખ 31 મે છે અને ચૂંટણી 11 જૂનના રોજ યોજવામાં આવશે.
