કેરળમાં જબરદસ્ત વરસાદ સાથે ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે. ભારે વરસાદના કારણે ઇડુક્કી જિલ્લામાં એક વ્યક્તિનું મોત થઇ ગયું છે. ભારતીય હવામાન ખાતના ક્ષેત્રીય કેન્દ્ર પ્રમુખ કે.સંતોષે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ કેરળ અને લક્ષદ્વીપમાં પ્રવેશી ચૂક્યુ છે. અગાઉ હવામાન ખાતાએ જણાવ્યું હતું કે ચોમાસાની શરૂઆત 9 જૂને થશે.
કેરળના ઘણાં વિસ્તારોમાં મંગળવાર રાતથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. સામાન્ય રીતે દક્ષિણ-પશ્ચિમી ચોમાસુ કેરળમાં 1 જૂનની આસપાસ સક્રિય થાય છે. જે પૂર્વોત્તર તરફ આગળ વધતા 15 જુલાઇ સુધી સમગ્ર દેશમાં ફેલાઇ જાય છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ હવામાન ખાતાએ 30 મે ના રોજ ચોમાસાની શરૂઆતની આગાહી કરી હતી. પરંતુ ચોમાસાની શરૂઆત 5 જૂનના રોજ થઇ હતી.
