ઇસ્લામી વર્ષના નવમા માસને રમઝાન માસ કહેવામાં આવે છે. આ પવિત્ર માસમાં મુસ્લીમ સમુદાયના પુખ્ત વયના લોકો એક માસના રોઝા રાખી પોતાના રબની ઇબાદત કરી રબને રાજી કરવાનો પ્રયાસ કરે છે. એટલે જ પવિત્ર રમઝાન માસને ધૈર્ય, સખાવત અને કસોટીનો માસ કહેવામાં આવે છે.
ધૈર્યનો માસ એટલા માટે કહેવામાં આવે છે કે મુસ્લીમ સમુદાયના લોકો રમઝાન માસના ૩૦ દિવસ સુધી દરરોજ વહેલી સવારે મળસ્કે રોઝો રાખી ઠેઠ સૂર્યાસ્ત સુધી પેટમાં અન્ન કે પાણી જવા દેતા નથી. જયારે આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહે છે ત્યારે ધીરજની કસોટી થાય છે. અને ખબર પડે છે કે ગરીબ વર્ગના લોકો કે જેઓને બે ટંકનું જમવાનું નસીબ નથી થતું તેઓની શું હાલત થતી હશે ? જેનાથી હદય માં ગરીબો પ્રત્યે સંવેદના જાગૃત થાય છે.
કસોટીનો માસ એટલા માટે કહેવાયો કે સતત ૩૦ દિવસ સુધી રોઝા રાખી પોતાના રબની ખુશનુદી પ્રાપ્ત કરી પરવરદિગારને રાજી કરે છે. આ માસમાં મુસ્લિમ સમુદાયના લોકો બની શકે એટલી વધુ પોતાના રબની ઇબાદત કરે છે. જયારે સખાવતનો માસ એટલા માટે કહેવાયો છે કે મુસ્લિમ સમુદાયમાં અર્થિક રીતે સધ્ધર લોકો છે.તેઓ પોતાની વર્ષ ભરની કમાણીમાંથી ઝકાત કાઢી સમાજના આર્થિક રીતે નબળા લોકોને સહાય કરે છે. જેથી ગરીબમાં ગરીબ પણ ભલે11 માસ ગમે તેવું કષ્ટ વેઠીને ગુજારો કરે પણ આ પવિત્ર માસમાં ગરીબો પણ સારૂ પકવાન બનાવી રમઝાન માસની ઉજવણી કરે છે.
ખાસ કરીને ઉનાળાના ધોમધખતા તાપમાં રમઝાન માસ આવે છે ત્યારે રોઝદારની ખુબ આકરી કસોટી થાય છે. આખા દિવસના આકરા તાપમાં રોઝદારનું હૈયુ ભૂખ્યા, તરસ્યા રહી એકદમ દયાળુ બની જાય છે. અને અન્ય પ્રત્યે પ્રેમભાવના જન્મે છે. એટલા માટે જ રમઝાન માસને ધૈર્ય, સખાવત અને કસોટીના ત્રિવેણી સંગમ સમો અનોખો માસ કહેવાય છે.
/connect-gujarat/media/post_attachments/efa8b28e7eaf5afbcf1614a16db359fa0e5fe5c0413ca37158a1de96c6c3c9be.gif)
