કેન્દ્રીય આદિજાતિ વિકાસમંત્રી મનસુખ વસાવાએ આજે પદ પરથી રાજીનામુ આપ્યુ હતું. મોદી સરકારના મંત્રીમંડળમાં વિસ્તરણ અગાઉ મનસુખ વસાવાના રાજીનામાએ અનેક સવાલ ઉભા કર્યા છે.

નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારમાં આજે વિસ્તરણ કરવામાં આવ્યુ હતુ. દિલ્હીમાં રાષ્ટ્રપતિભવન ખાતે નવા નિમાયેલા મંત્રીઓની શપથવિધિ યોજાઈ હતી. જેમાં ગુજરાતના ત્રણ નેતાઓ પુરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા અને જશવંતસિંહ ભાભોરે રાજ્યકક્ષાના મંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે મનસુખ વસાવા સાથે મોહન કુંડારિયાએ પણ રાજીનામુ આપી દીધું હતું.

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ છાશવારે પોતાની જ પાર્ટીના નેતાઓ સાથે માથાકુટ કરવા અને ગુજરાત પ્રદેશ ભાજપા સાથેના અણબનાવો માટે મનસુખ વસાવા હાલમાંજ ચર્ચાનો વિષય બન્યા હતા. આધારભૂત સુત્રો તરફથી મળતી માહિતીને જો સાચી માનીએ તો રાજયકક્ષાના મંત્રી મનસુખ વસાવાનાં તેઓનાં જ કેબિનેટ મંત્રી સાથે પણ અણબનાવો હોવાનું બહાર આવ્યુ છે. જો કે ગણગણાટ મુજબ આવુ પણ સાંભળવા મળ્યુ હતુ કે હાંસોટમાં થયેલ હિન્દુ મહા સભા રોકવા જયારે મનસુખભાઈ વસાવા હાંસોટ ગયા હતા ત્યારે પણ મનસુખભાઈ વસાવાને રાષ્ટ્રીય નેતાઓ, સંગઠન તરફથી શબ્દો સાંભળવાનો વારો આવ્યો હતો.

મનસુખ વસાવા દ્વારા ગણતરીના દિવસો પહેલા ગુજરાત રાજયના મુખ્યમંત્રી આનંદીનહેન પટેલને પત્ર મારફતે ચીમકી અપાઈ હતી કે જો તેમના મત વિસ્તારમાં તેઓ દ્વારા સૂચવેલ કામ નહીં થાય તો તેઓ મંત્રીપદ પરથી રાજીનામુ આપી દેશે. મનસુખ વસાવાએ અગાઉ પણ પોતાના પત્રનો બોમ્બની જેમ ઉપયોગ કરી ખેડૂતો માટે સમયસર વીજળી લાવવા યુધ્ધ છેડયુ હતુ.