શ્રાવણ માસની શરૂઆત સાથે જ ગુજરાતના ઘણાં વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગુરૂવારનો સૌથી વધુ વરસાદ ખંભાળિયામાં 12 કલાકમાં 7.5 ઇંચ નોંધાયો હતો. તેની નજીક આવેલા લાલપુરમાં 6 ઇંચ વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારોમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ પડ્યો હતો.
અમદાવાદ શહેરમાં પણ મોડીરાત્રે ધોધમાર વરસાદ પડતા 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ભરાઇ ગયા હતા.
જામનગર પાસે ખાવડીમાં સાડા દસ ઇંચ, લાલપુરમાં 6 અને ભાણવડમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ખાવડીમાં સાડા દસ ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું. સવારથી શરૂ થયેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા અને લોકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
જામ ખંભાળિયામાં મોસમનો કુલ વરસાદ 17 ઇંચ નોંધાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જ્યારે રાજકોટમાં પણ ઝરમર વરસાદ વરસતા ગરમીથી ત્રસ્ત થયેલા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
ગીરસોમનાથ જિલ્લાના ગીરગઢડામાં બે થી અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. બરડામાં 3 થી 4 ઇંચ જ્યારે કુતિયાણામાં બે કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો.
