અમદાવાદની એપોલો હોસ્પિટલમાં ડેન્ગ્યુની દર્દી પર દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપી ડૉક્ટર અને વોર્ડ બોયની ધરપકડ કરી છે.
અમદાવાદની 19 વર્ષિય યુવતીને ડેન્ગ્યુ થતાં તેને સારવારઅર્થે શહેરની એપોલો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ડેન્ગ્યુના કારણે બોલવા-ચાલવામાં અસમર્થ યુવતીએ કાગળ પર પોતાની આપવીતિ લખીને પરિવારને જણાવી હતી.
યુવતીએ કાગળમાં લખ્યુ હતું કે “કાકા, મારી સાથે દુષ્કર્મ આચરવામાં આવેલ છે. મને અહીંથી ઘરે લઇ જાઓ. કારણ કે બે જણાએ બળજબરીથી….બે જણા સતત બે વખત… યુવતીને 4 સપ્ટેમ્બરના રોજ દાખલ કરવામાં આવી હતી.”
રવિવારે ડેન્ગ્યુની બિમારીથી પીડાતી યુવતીને એપોલો હોસ્પિટલમાં સારવારઅર્થે પ્રથમ સામાન્ય વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ તેની તબિયત લથડતા એમઆઇસીયુ વોર્ડમાં ટ્રાન્સફર કરાઇ હતી.
વોર્ડમાં ફરજ બજાવતા ડૉ.રમેશ ભુરાલાલ ચૌહાણ અને સર્વન્ટ ચંદુ ઉર્ફે ચંદ્રકાન્ત ગોવિંદભાઇ વણકર દ્વારા તેની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મામલે યુવતીના પરિવારજનોએ અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંદાવી હતી.
એમઆઇસીયુમાં દુષ્કર્મનો બનાવ બન્યાના બે દિવસ કરતા વધુ સમય થઇ ગયો હોવા છતાં પોલીસે તેની સઘળી વિગતો સત્તાવાર જાહેર કરવાની બાબતે ઢીલું વલણ અપનાવ્યું હતું.
આ અંગે હોસ્પિટલના પીઆરઓ સંદિપ જોશીએ જણાવ્યું હતું કે ઘટના અંગે પોલીસ તપાસ ચાલી રહી છે અને હોસ્પિટલનો સ્ટાફ પણ તેમાં સંપૂર્ણપણે સહયોગ આપી રહ્યો છે.
