રાજકોટમાં મંગલ મહોત્સવ સમિતિ, રેસકોર્સ દ્વારા મંગળવારે રાત્રે યોજાયેલી ઓપન સૌરાષ્ટ્ર લાડુ સ્પર્ધામાં 80 પુરુષ અને 12 મહિલાઓ સહિત કુલ 92 હરિફોએ ભાગ લીધો હતો.

unnamed-2

જેમાં પુરુષ સ્પર્ધકોમાં ગત વર્ષના વિજેતા ગોવિંદભાઇ લુણાગરિયાએ આ વખતે પણ પ્રથમ નંબર મેળવ્યો હતો. જ્યારે મહિલાઓમાં સાવિત્રીબેન યાદવે 13 લાડુ ખાઇને પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

આ સ્પર્ધામાં 18 થી માંડીને 70 વર્ષ સુધીના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધા માટે દરેક લાડુ 100 ગ્રામનો બનાવવામાં આવ્યો હતો.

unnamed-1

30 મિનિટની આ સ્પર્ધામાં પ્રથમ 10 મિનિટમાં 5 લાડુ ખાવા ફરજીયાત હતા. જ્યારે બાકીની 20 મિનિટ માટે આવી કોઇ મર્યાદા રાખવામાં આવી નહોતી. જે લોકો પ્રથમ 10 મિનિટમાં 5 લાડુ નહોતા ખાઇ શક્યા તેમને સ્પર્ધામાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા.

આ સ્પર્ધામાં પુરુષોમાં ગોવિંદભાઇ લુણાગરિયાએ 24.75 લાડુ ખાઇને પ્રથમ, રમેશભાઇ રૈયાણીએ 21 લાડુ સાથે બીજુ અને ગીરભાઇ પનારાએ 19 લાડુ ખાઇને ત્રીજુ સ્થાન મેળવ્યું હતું.

unnamed

જ્યારે મહિલાઓમાં સાવિત્રીબેન યાદવે 13 લાડુ સાથે પ્રથમ, શાંતાબેન પરમારે 10 લાડુ સાથે બીજું તેમજ જયશ્રીબેન પૂજારાએ 8 લાડુ ખાઇને ત્રીજું સ્થાન મેળવ્યું હતું.

વિજેતાઓને સ્થળ પર પ્રમાણપત્રનું વિતરણ કરાયુ હતું. જ્યારે બુધવારે પુરૂષ-મહિલા વિજેતાઓનું સન્માન કરી મોમેન્ટો અપાશે. તેમજ એકથી ત્રણ ક્રમને 500, 400 અને 300 રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે.