નર્મદા નદી ઉપરાંત કૃત્રિમ કુંડમાં કરવામાં આવશે વિસર્જન
ભરૂચ જિલ્લાભરમાં વિઘ્નહર્તા દેવની વિદાયને વિઘ્ન રહિત પાર પાડવા માટે પોલીસ તંત્ર દ્વારા લોખંડી સુરક્ષા કવચ ખડકી દેવામાં આવ્યો છે.
દસ દસ દિવસ સુધી ભક્તોનું ભાવભર્યું આતિથ્ય માણ્યા બાદ ભક્તો તારીખ 15મીના રોજ ગણપતિ બાપાને ભારે હૈયે ભાવભરી વિદાય આપશે. વિઘ્નહર્તા દેવના વિસર્જન ટાણે શહેર પંથકમાં શાંતિ જળવાઇ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્રે વિસર્જનને લગતી તમામ તૈયારીઓ પુર્ણ કરી દીધી છે.
ભરૂચ શહેર તેમજ આસપાસના ગામડાઓમાંથી બેન્ડ તેમજ ડી.જે ના તાલે ગણપતિની વિસર્જન યાત્રા નીકળશે. આ યાત્રા તથા સમગ્ર ઉત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 5 DYSP, 13 પોલીસ ઇન્સ્પેકટર, 30 PSI, એસઆરપી, હોમગાર્ડ સહિત 2000થી પણ વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં ફરજ બજાવશે.
ભરૂચ શહેરના દશાશ્વ મેઘઘાટ, ઝાડેશ્વર નીલકંઠ મંદિર, ભાડભૂત તેમજ ઝાડેશ્વર ખાતે સાંઈ મંદિરના તળાવ પાસે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યો છે. જેમાં શ્રીજીની પ્રતિમાઓને વિસર્જન કરવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જયારે અંકલેશ્વરમાં પણ નવા બોરભાઠા ગામ ખાતે જળકુંડ, જીઆઇડીસીના DPMC સેન્ટર ખાતેના કુત્રિમ કુંડ સહિત નર્મદાના નદીના દક્ષિણ છેડે વિસર્જન માટેની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે. નર્મદા નદી ગોલ્ડન બ્રિજ ખાતે વિશાળ ક્રેઈનની મદદથી શ્રીજીની પ્રતિમાને બોટ સુધી પહોંચાડીને નદીના જળમાં વિસર્જિત કરવામાં આવશે.
DYSP રવિરાજસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે વિસર્જનને વિઘ્નરહિત પાર પાડવા માટે પોલીસ તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન પર્વ પૂર્ણ થાય તે માટે તમામ પ્રયાસો પણ કરવામાં આવ્યા છે.
