સુરતમાં સોનાના દાગીના વેચવા ગયેલી મહિલાના દાગીના દુકાનમાં ભારે ભીડનો લાભ ઉઠાવી બે મહિલાઓ સેરવીને જતી રહી હતી. આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.
અલકા વોરા નામની મહિલા પોતાના પતિ સાથે શહેરના ચૌટા બજારમાં આવેલી સોનીની દુકાનમાં દાગીના વેચવા માટે ગઇ હતી. દુકાનમાં ખૂબ ભીડ હોવાથી પહેલાથી દુકાનમાં હાજર રહેલી બે અન્ય મહિલાઓએ અલકાબેનની નજર ચૂકવીને તેમના પર્સમાંથી બે લાખ રૂપિયાના દાગીના સેરવી લીધા હતા.
ત્યારબાદ અલકાબેને દુકાનમાં તપાસ કરાવી હતી. પરંતુ તે બંને મહિલાઓ દાગીના લઇને ફરાર થઇ ગઇ હતી. જોકે, ચોરી કરનાર બંને મહિલાઓ દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જેને પગલે અલકાબેને તાત્કાલિક સુરતના આઠવા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
સીસીટીવી ફુટેજના આધારે આઠવા પોલીસે તપાસ શરૂ કરી છે. આ અગાઉ પણ આ મહિલાઓ કોઇ ચોરી સાથે સંકળાયેલી હતી કે નહી તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
