સુરતના સચીન-પલસાણા રોડ પર પોલીસમેનની ક્વોલિશ કારે બે મજુરોને અડફેટમાં લેતા બંને ના કરુણ મોત નિપજ્યા હતા.ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સોમવારે રાત્રે પલસાણા સાતવલ્લા પુલ પરથી પુરપાટ દોડતી એક ક્વોલિસ કારે સચીન જીઆઇડીસીના ગેટ નંબર-2માંથી બહાર નીકળતા બે મજુરોને ટક્કર મારીને ભાગવા જતા પલટી ગઇ હતી. જેમાંથી વિદેશી દારૂનો જથ્થો રોડ પર વિખેરાઇ ગયો હતો.
એક તરફ બે મજુરોના મૃતદેહ પડ્યા હતા જ્યારે બીજી તરફ રોડ પર વિદેશી દારૂની બોટલો વિખેરાયેલી પડી હતી. ત્યારબાદ લોકો દારૂની પેટીઓ ઉપાડીને ભાગ્યા હતા.
વધુમાં લોકોએ જણાવ્યુ હતુ કે ઘટનાની જાણ થતાં જ જીઆઇડીસી પોલીસ દોડી આવી હતી. પોલીસે ઇજાગ્રસ્ત કારચાલક સહિત બેની અટક કરીને તેમને સારવાર અર્થે ખસેડ્યા હતા.
મજુરોને કચડી દેનાર ક્વોલિસનો ચાલક સહજ જયશંકર નામનો ઇચ્છાપોર પોલીસ સ્ટેશનનો કર્મી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આ ગમખ્વાર અકસ્માતમાં મોતને ભેટનાર બે મજુરોની ઓળખ રૂદ્રનાથ ઉર્ફે બૈજનાથ યાદવ અને ગીરજાશંકર મુરત યાદવ હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માત સમયે કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલો હતો પરંતુ અકસ્માત બાદ લોકો વિદેશી દારૂની બોટલો લઇને ભાગી ગયા હતા. તેથી, પોલીસના હાથે માત્ર ત્રણ જ વિદેશી દારૂની બોટલો લાગી હોવાનું કહેવાય રહ્યુ છે.જ્યારે કેટલીક બોટલો ટૂટી ગઇ હતી જેના કાચ રોડ પરથી મળી આવ્યા હતા.
