વડોદરામાં પ્રથમ અને ગુજરાતમાં બીજી ઘટના: અદાલતે સૂઓમોટો લઈ બે કિશોરીઓને વળતર ચૂકવવા આદેશ કર્યો

New Update
વડોદરામાં પ્રથમ અને ગુજરાતમાં બીજી ઘટના: અદાલતે સૂઓમોટો લઈ બે કિશોરીઓને વળતર ચૂકવવા આદેશ કર્યો

સાવલીની અદાલતે સ્વ પહેલથી( સ્યુઓ મોટો) એકજ દિવસમાં ગંભીર જાતીય ગુનાનો ભોગ બનેલી બે કિશોરીઓને વચગાળાનું વળતર અને વધારાની વચગાળાની રાહત ચૂકવવા આદેશ કર્યો.

રાજ્યમાં બાળ સુરક્ષા માટે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ(પોસ્કો)2012 નો કાયદો અમલમાં છે.ગુજરાત સરકારે આ કાયદાને વધુ પીઠબળ આપવા ગુજરાત વિકટીમ કોમ્પેનસેસન સ્કીમ 2019 અમલમાં મૂકીને આવા અત્યાચારોનો ભોગ બનેલા બાળકો/બાળકીઓ ને તાત્કાલિક નાણાકીય વળતર મળે એવી જોગવાઈ કરી છે.

9માં અધિક સેશન જજ,વડોદરા( સાવલી) એ તાજેતરમાં એક જ દિવસ એટલે કે 7 મી નવેમ્બરના રોજ ઉપરોક્ત કાયદા અને 2019 ની સ્કીમની જોગવાઈઓનો ખૂબ જ ઉમદા વિનિયોગ કરીને, સાવ કાચી ઉંમરે બળાત્કાર જેવા ગંભીર જાતીય ગુનાનો ભોગ બનેલી બે માસૂમ કિશોરીને વચગાળાનું વળતર અને વચગાળાની રાહત સત્વરે ચૂકવવાનો આદેશ કરીને બાળ સુરક્ષા કાયદા અને યોજનાના અમલીકરણમાં એક નવો અધ્યાય જોડ્યો છે.માનનીય ન્યાયાધીશ શ્રી એ.જે. કાનાણી ના આ આદેશોની રાજ્યના અદાલતી વર્તુળોમાં ખૂબ જ સકારાત્મક નોંધ લેવાઈ છે.પ્રાપ્ત જાણકારી પ્રમાણે વડોદરા જિલ્લા ના અદાલતી ઇતિહાસમાં પૉસ્કો હેઠળ આ પ્રકારે ગંભીર જાતીય અત્યાચારો નો ભોગ બનેલ દીકરીઓને વચગાળાનું વળતર અને રાહત સત્વરે ચૂકવવાનો આદેશ પ્રથમવાર કરવામાં આવ્યો છે  અને  ગુજરાતમાં  સ્વ પહેલ થી એટલે કે સ્યુઓ મોટો  આ પ્રકારનો આદેશ પોસ્કો અદાલત દ્વારા કરવામાં આવ્યો હોય એવી બીજી ઘટના છે.

ઘટનાની વિગત એવી છે કે પોસ્કો એકટ,2012 ની વિવિધ કલમો હેઠળ  વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકમાં બે માસૂમ કિશોરીઓ પર બળાત્કાર ના ગંભીર જાતીય અત્યાચાર ની બે જુદી જુદી ફરિયાદો નોંધાઇ હતી. તેની સુનાવણી દરમિયાન અદાલતે બંને બાળ/ કિશોરીઓની દયનીય હાલત ની નોંધ લીધી હતી.અને ગુજરાત સરકારની ગુજરાત વિક્ટીમ કોમ્પેનસેસન સ્કીમ 2019 હેઠળ ભોગ બનનારી છોકરીઓને સત્વરે નાણાકીય મદદ  મળી શકે એ બાબત  અદાલતે ધ્યાનમાં લઈને સ્વ પહેલ થી એટલે કે સ્યુઓ મોટો આ આદેશ કર્યો જે આ ઘટનાનું વધુ એક જમા પાસુ છે. સરકારી વકીલ શ્રી એ પણ વિક્ટિમ કોમ્પેસેસન ની યોજના હેઠળ ના આ આદેશનું સમર્થન કર્યું હતું. બે પૈકીની એક કિશોરીને ઉપર જણાવેલી સ્કીમ હેઠળ રૂ.બે લાખ નું અને બીજી કિશોરી ને રૂ.75 હજારનું વચગાળાનું વળતર સત્વરે ચૂકવવા ના આદેશો માનનીય અદાલતે બંને કેસોના સંજોગોને( મેરિટ્સ) ધ્યાનમાં લઈને કર્યા છે.

આ ઉપરાંત બંને કિસ્સાઓમાં એકટ,રૂલ અને સ્કીમની જોગવાઈઓ અનુસાર તબીબી અને અન્ય ખર્ચાઓને પહોંચી વળવામાં મદદ મળે તેવા શુભ હેતુ થી વધારાની વચગાળાની રાહત ચૂકવવા નો પણ આદેશ કરી, 2 મહિના થી વધુ મોડું ના થાય તે રીતે તેના શક્ય તેટલા ઝડપી અને સમુચિત અમલીકરણ ની જવાબદારી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ,વડોદરાના પૂર્ણકાલીન સચિવશ્રી ને સોંપી છે.આ આદેશ થી બંને ભોગ બનેલી કિશોરીઓ અને અસરગ્રસ્ત પરિવારોને ખૂબ રાહત થશે એવી ધારણા છે.

 ન્યાયાધીશ એ.જે.કાનાણી એ આ આદેશો અને તેના સૂચિતારથો થી મહિલા અને બાળ સુરક્ષા સાથે સંકળાયેલા સી.ડબલ્યુ.સી.,ડી.સી.પી.યુ.,એસ.જે.પી.યુ.,આઇ.યુ.સી.ડબલ્યુ.યુ.જેવા ફોરમો ને સારી પેઠે વાકેફ કરવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને અનુરોધ કરવાની સાથે , બાળ અધિકારો ની સુરક્ષા માટેના રાજ્ય પંચ,જિલ્લા પોલીસ અધિક્ષક અને ડી.એલ.એસ.એ.,વડોદરા ને આદેશોની નકલો આપવા અને તેના સમયસર અમલીકરણ માટે લેવામાં આવેલાં પગલાં થી પોસ્કો ની ખાસ અદાલતને સત્વરે વાકેફ કરવા સૂચના આપી છે.સાવલી ની અદાલતના સ્વ પહેલ હેઠળ કરવામાં આવેલા આ આદેશો બાળ અધિકારો ની સુરક્ષામાં એક નિર્ણાયક પડાવ પુરવાર થશે.

Latest Stories