પ્લાસ્ટિક સહિતનો કચરો બળીને ખાખ થયો.

અંકલેશ્વર ને.હા.નં. ૮ નજીકનાં નોબલ માર્કેટમાં આવેલ એક ભંગારનાં ગોડાઉનમાં આગની ઘટના સર્જાતા નાશભાગ મચી ગઈ હતી.

અંકલેશ્વરનાં ભંગારીયાઓને ત્યાં આગની ઘટનાનો સિલસિલો યથાવત રહયો છે, નોબેલ માર્કેટમાં સ્ક્રેપનું ગોડાઉન ધરાવતા ગરીબ ઉલ્લાનાં ત્યાં બપોરનાં સમયે અચાનક આગ લાગી હતી. ગોડાઉન વિસ્તારમાં સંગ્રહ કરેલ પ્લાસ્ટિક , પુઠ્ઠા સહિતનો વેસ્ટ આગની લપેટમાં આવી ગયો હતો.

ઘટના અંગેની જાણ અંકલેશ્વર તેમજ પાનોલી નોટીફાઈડ એરિયાનાં ફાયર સ્ટેશન તથા નગરપાલિકાનાં અગ્નિશામક કેન્દ્રમાં કરવામાં આવતા લાશ્કરો ફાયર ટેન્ડર સાથે ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો, જો કે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નહતી.