ખેડૂતોની સંમતિ વગર ખેતરમાં કામગીરી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ
હાંસોટ તાલુકાના ગામોનાં ખેતરમાંથી પસાર થતી ગેસ પાઈપલાઈનની કામગીરીનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર સુધી ગેસ પાઈપ લાઈન નાખવાની કામગીરી ખાનગી કંપની દ્વારા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત હાંસોટ તાલુકાનાં ગામોનાં ખેતરમાંથી પણ આ પાઈપ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે.
કંપની દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે પાઈપલાઈન નાખવાનું કામ ચાલી રહયુ હતુ તે દરમ્યાન હાંસોટ તાલુકાનાં આસરમા, નવા આસરમા, જુના ઓભા, નવા ઓભા, સહિતનાં ગામનાં ખેડૂતોએ ભેગા મળીને દિગસગામની સીમમાં પાઈપલાઈનની કામગીરીનો વિરોધ કર્યો હતો.
ખેડૂત અગ્રણી ગુમાન પટેલે જણાવ્યુ હતુ કે ખેતરમાં એક વખત ખોદકામ થયા બાદ ત્રણથી દસ વર્ષ સુધી ઉત્પાદન મળતુ નથી અને ખેડૂતોએ મોટી નુકશાની વેઠવી પડે છે.
જયારે દિગસ ગામનાં ખેડૂત ગૌરાંગ કાપડીયા દ્વારા જણાવ્યુ હતુ કે કંપની દ્વારા ખેડૂતોની સંમતિ લેવામાં આવી નથી કે વળતર પણ આપ્યુ નથી તો કામગીરી શરૂ કેવી રીતે કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે કંપની દ્વારા ખેડૂતોનાં પ્રશ્નોનાં નિરાકરણ અર્થે હકારાત્મક પગલા ભરવામાં નહીં આવે તો ખેડૂતોએ આગામી સમયમાં ઉગ્રઆંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
