ચીને મંગળવારે વિશ્વનું સૌપ્રથમ ક્વોન્ટમ સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યુ હતું. ઝીન્હુઆ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ મોડી રાત્રે 1:40 વાગ્યે આ સેટેલાઇટને લોન્ચ કરવામાં આવ્યો હતો.
ગોબી રણમાંથી લોન્ચ કરાયેલા જીક્વાન સેટેલાઇટ 600 કિગ્રા વજન ધરાવે છે. આ સેટેલાઇટ પૃથ્વીની પરિભ્રમણ કક્ષામાં સામેલ થયા બાદ પ્રતિ 90 મિનિટે પૃથ્વી ફરતે એક પરિભ્રમણ પૂર્ણ કરશે.
આ સેટેલાઇટને મિસિયસ જેવું હુલામણુ નામ પણ અપાયું છે. જે ઇ.સ.પહેલાંના ચાઇનિઝ ફિલોસોફર અને વૈજ્ઞાનિકને સમર્પિત કરાયું છે.
પોતાના બે વર્ષના મિશનમાં આ સેટેલાઇટ અનબ્રેકેબલ કી દ્વારા અવકાશમાંથી ધરતી પર હેક ન કરી શકાય તેવું ક્વોન્ટમ કોમ્યુનિકેશન પ્રસ્થાપિત કરશે.
આ સેટેલાઇટની મદદથી વૈજ્ઞાનિકો અવકાશ અને ધરતી વચ્ચેના ક્વોન્ટમ કી ડિસ્ટ્રીબ્યુશનનો ટેસ્ટ કરવામાં સક્ષમ થશે.
