Connect Gujarat
ગુજરાત

સુરતના વરેલી ગામમાં 5 દિવસમાં 8 વ્યકિતના શંકાસ્પદ મોત

સુરતના વરેલી ગામમાં 5 દિવસમાં 8 વ્યકિતના શંકાસ્પદ મોત
X

સુરતના પલસાણા તાલુકાના વરેલી ગામે છેલ્લા 5-6 દિવસથી 8 વ્યક્તિના શંકાસ્પદ મોતની ઘટનાને લઇને તંત્ર દોડતુ થઇ ગયું છે.

મળતી માહિતી મુજબ પલસાણા તાલુકાના વરેલી ગામે છેલ્લા પાંચ દિવસથી 8 વ્યક્તિના મોતની ઘટનાને કારણે ચકચાર મચી જવા પામી છે. ગત 4 સપ્ટેમ્બરે રાત્રે સૂઇ ગયા બાદ 3 યુવાનોના મોત થયા હતા. ત્યારબાદ 7 સપ્ટેમ્બરે વરેલીની અલગ-અલગ સોસાયટીમાં રહેતા 4 યુવાનોની સૂઇ ગયા બાદ તબિયત લથડી હતી. જેમને બેભાન અવસ્થામાં જ સારવારઅર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં ત્રણ યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

ત્યારબાત 8મી સપ્ટેમ્બરે ફરી ત્રણ યુવાનોને સારવારઅર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એકનું રસ્તામાં અને બીજાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય અજય સુરેશ શાહુ નામના યુવાને આંખો ગુમાવી હતી. તેને વધુ સારવારઅર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

વરેલી ગામમાં 25થી 40 વર્ષના પરપ્રાંતિય યુવાનોના આ રીતે રાત્રે ઉંઘમાં બેભાન થઇ જઇને મોતને ભેટવાની ઘટનાને પગલે આરોગ્ય વિભાગ અને ગ્રામ પંચાયતના સત્તાધીશોની ઉંઘ હરામ થઇ ગઇ છે. આ કોઇ રોગચાળો છે કે તેની પાછળ દારૂનું વ્યસન જવાબદાર છે તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે. એક તરફ પોલીસ લઠ્ઠાકાંડની વાત સ્વીકારવા તૈયાર નથી તો બીજી તરફ સ્થાનિકો દારૂના નશા બાદ યુવાનોનું મોત થયું હોવાનું માની રહ્યા છે.

આ ઘટનાથી બારડોલી વિધાનસભા ધારાસભ્ય અનિલભાઇ પરમાર અને પલસાણા તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશ પટેલ સહિત આગેવાનોએ ઘટનાસ્થળે દોડી આવી પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો.

વરેલી ગામના સરપંચ ધનીરામ દુબેએ તાત્કાલિક મોતનું કારણ જાણવા માટે મૃતકોના પીએમ ફોરેન્સિક પેનલથી કરવા અંગે પોલીસ અને મેડિકલ ઓફિસરને લેખિતમાં જાણ કરી હતી.

Next Story