ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામની નર્મદા નદી કિનારાની જમીનનું ધોવાણ થવાના કારણે ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને આ પ્રશ્નનું ત્વરિત નિરાકરણ લાવવા માટે ગ્રામજનોએ રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલને રજૂઆત કરી છે.
ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામ ખાતે કંપની દ્વારા નર્મદા નદીમાં પમ્પ હાઉસ બનવવામાં આવ્યો છે. જેના કારણે નદી કિનારાની ખાનગી મિલ્કતો મંદિર, સ્નાન કરવાના ઘાટ સહિત જમીનનું ધોવાણ થતા તેને અટકાવવા માટે ગ્રામજનોએ પ્રથમ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને ન્યાયની અપીલ કરી છે.
જોકે અંગારેશ્વર ગ્રામ પંચાયતના પદાધિકારીઓ તેમજ અસરગ્રસ્તો દ્વારા રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલને પણ આ સંદર્ભે રજૂઆત કરી છે. અહેમદ પટેલે તેઓના આ પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવતા ગ્રામજનોએ રાહત અનુભવી છે.
