રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનાં ગણવેશમાં બદલાવ કર્યા બાદ ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટ ખાતે આરએસએસ દ્રારા પથ સંચાલન કરવામાં આવ્યુ હતુ.સામાન્ય રીતે ખાખી ચડ્ડી પહેરતા સ્વયં સેવકો સંઘ દ્રારા તૈયાર કરવામાં આવેલા ફુલ પેન્ટનાં ગણવેશમાં જોવા મળ્યા હતા.

પથ સંચાલન માં RSS ના સ્વયં સેવકો રાજકોટની સૌરાષ્ટ્ર હાઇસ્કુલ થી નિર્મલા રોડ થઇને 150 ફુટ રીંગ રોડથી પરત સૌરાષ્ટ્ર હાઇસ્કુલ સુઘી 4 કિલોમીટરનું અંતર કાપીને પરત ફર્યા હતા.

રાષ્ટ્રીય સ્વયં સેવકો સંઘનું નામ આવે એટલે ખાખી ચડ્ડી અને સફેદ શર્ટમાં સજ્જ સ્વયંસેવક નજરે તરી આવે. પરંતુ તાજેતરમાં આરએસએસ દ્રારા ગણવેશમાં બદલાવ કરવામાં આવ્યો છે. ખાખી ચડ્ડીનાં સ્થાને પેન્ટને ગણવેશમાં સ્થાન આપવામાં આવ્યુ છે. આરએસએસ દ્રારા નવો ગણવેશ બહાર પાડવામાં આવ્યા બાદ રાજકોટમાં આરએસએસ દ્રારા પથ સંચાલન કરવામાં આવ્યુ હતુ.

દર વર્ષે વિજ્યા દશમીની ઉજવણીનાં ભાગ રૂપે આરએસએસ દ્રારા પથ સંચાલન કાર્યક્રમ યોજવામાં આવે છે.સૌરાષ્ટ્ર હાઇસ્કુલનાં ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સેવકો ઉપસ્થિત રહ્યા હતા અને સંઘનાં નિયમો અનુસાર દંડ(લાકડી) અને ભગવા ધ્વજ સાથે જોવા મળ્યા હતા..પથ સંચાલનમાં ઘોષબેન્ડનાં બે પથક સાથે આનક, પણવ, વંશી શંખ તેમજ ઝલ્લારીનાં વાદ્યોની તાલબધ્ધ સુરાવલી સાથે સ્વયંસેવકો નવા ગણવેશમાં પથ સંચાલન કરતા નજરે પડયા હતા.