અંકલેશ્વરમાં શિવસેનાના અગ્રણી અને ઉદ્યોગપતિ સતિષ પાટીલના યુવાન દીકરાની તેની સાવકી માતા દ્વારા હત્યાની ઘટનાએ પંથકમાં ચકચાર જગાવી છે અને પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકતો બહાર આવી છે.

ગુજરાત રાજ્ય શિવસેનાના પ્રદેશ ઉપ પ્રમુખ અને અંકલેશ્વર જીઆઇડીસીની મધુવન સોસાયટીમાં રહેતા સતિષ પાટીલ ઉધોગ સાહસિક પણ છે. બન્યું કંઈક એવું હતુ કે તેમનો 18 વર્ષીય દીકરો વિવેક ઉર્ફે બાદલ પાટીલ તારીખ 25મી સપ્ટેમ્બર 2016ના રોજ સ્કૂલેથી ઘરે આવ્યા બાદ ગુમ હોવાની જાણ તેના પિતા સતિષ પાટીલને થઇ હતી. તેથી તેઓએ યુવાન દીકરાની શોધખોળ શરુ કરી હતી અને આ અંગે જીઆઇડીસી પોલીસ મથકમાં એક અરજી દાખલ કરી હતી.પરિવારજનો આકુળ વ્યાકુળ બનીને વિવેકને શોધી રહ્યા હતા. ત્યાં જ રહસ્યમયરીતે વિવેકનો મૃતદેહ પોતાના ઘરના કંપાઉન્ડ એટલેકે ગેલેરીમાંથી જ મળી આવ્યો હતો.

પોલીસ દ્વારા આ ચકચારી ઘટનાનું કોકડુ ઉકેલવા માટે તપાસનો ધમધમાટ શરુ કરાયો હતો. પોલીસે વિવેકનો મૃતદેહ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વિસેરાના નમૂના પણ લીધા હતા.

આ કેસની ઊંડાણ પૂર્વકની તપાસમાં પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોતી હતી. કારણ કે લાશ પર કોઈ જ ઇજાના નિશાન પ્રથમ દ્રષ્ટિમાં પોલીસને નજરે ન પડતા પોલીસની પણ મુંજવણ વધી હતી અને આ બધી જ પળોજણ વચ્ચે ઘટનાના ત્રણ-ચાર દિવસ બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા પોલીસે તલસ્પર્શીય તપાસ શરુ કરી હતી.

પીએમ રિપોર્ટમાં વિવેકનુ ગળુ દબાવીને કે શ્વાસ રૂંધાવીને હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા મૃતક વિવેકની સગી માતા લતાબેન પાટીલે પોલીસ મથકમાં સતીશ પાટીલની બીજી પત્ની રોહિણી વિરુદ્ધ શંકા વ્યક્ત કરીને હત્યાનો ગુનો દર્જ કરાવ્યો હતો. જેમાં પોલીસે રોહિણીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ સનસનીખેજ ખુલાસા બહાર આવ્યા હતા.

પારિવારિક બાબતોમાં સાવકો દીકરો સાવકી માતા રોહિણીને આંખમાં કણની જેમ ખૂંચતો હતો અને તેનું કાસળ કાઢી નાખવા માટે આખો એક ગેમ પ્લાન તૈયાર કર્યો હતો. સાવકી માતાએ વિવેકને ઝેરી દવા પીવડાવીને ઘરમાં સુવડાવી દીધો હતો. પરંતુ સાંજે તેના પિતા ઘરે પરત આવશે અને આ અંગે જાણ થશે તો તેમ વિચારીને તેણીએ વિવેકને પેટી પલંગમાં બંધ કરી દીધો હતો અને તેનો મોબાઈલ ફોન તેમજ ચપ્પલ ઘરના વોચમેન સુધાકર સિમ્પીએ અન્યત્ર જગ્યા પર ફેંકી દીધા હતા. જયારે ઘરના સભ્યો રાત્રે વિવેકની શોધખોળ કરી રહ્યા હતા. ત્યારે તેનો મૃતદેહ ઘરની ગેલેરીમાં મૂકી દીધો હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી હતી.

આ ઘટનામાં તપાસ કરતા જીઆઇડીસી પોલીસ મથકના પીઆઇ આર.કે.ધુળીયાએ જણાવ્યું હતું કે આરોપી સાવકી માતા અને તેને મદદ કરનાર ઘરના વોચમેનની ધરપકડ કરીને ચાર દિવસના રિમાન્ડ કોર્ટમાંથી મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન સાવકી માતા રોહિણીએ કબૂલાત કરી હતી કે વિવેકને ઝેરી પાવડર દવા તરીકે આપ્યો હતો અને આ પાવડર તેઓની નજીકના એડવોકેટ અનંત પોખરિયાલે આપ્યો હતો. તેમજ બંને વચ્ચે અવારનવાર ફોન પર વાત પણ થઇ હતી. જે અંગેની કોલ ડીટેલના આધારે પોલીસે એડવોકેટની ધરપકડ કરી છે.

તપાસ કરતા અધિકારી આર.કે.ધુળીયાએ વધુમાં જણાવ્યુ હતુ કે આ ઝેરી પાવડર કે જે દવા તરીકે આપવામાં આવ્યો હતો તે કયો છે તે અંગેની જાણકારી માટે વિસેરાના એફએસએલ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. હાલ ઘટનામાં આરોપી એડવોકેટના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ પોલીસ કરી રહી છે.’