ટેક્નોલોજી આધારિત ઉદ્યોગ સાહસોને પ્રોત્સાહન આપવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા રવિવારના રોજ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને ઇલેક્ટ્રોનિક્સના સ્ટાર્ટ અપ માટે નવી પોલીસીની જાહેરાત કરાઇ હતી.

આનંદીબહેન પટેલે જાહેર કરેલી નવી પોલીસી મુજબ સરકાર દ્વારા રાજ્યમાં 50 ઇન્ક્યુબેટર પ્રસ્થાપિત કરવામાં આવશે. જે આગામી પાંચ વર્ષ દરમિયાન 2,000 સ્ટાર્ટ અપ્સને લીડરશીપ અને સુવિધા ઉપલબ્ધ કરાવશે.

ઇન્ક્યુબેટર્સ માટે લગભગ 10 લાખ સ્કવેર ફુટ જમીન ફાળવવામાં આવશે. તેના કારણે રાજ્યમાં રોજગારીની નવી તકો ઊભી થવાની આશા છે.

બીજેપીની સરકારે નવા સ્ટાર્ટ અપ અને ઇન્ક્યુબેટર્સ માટે પ્રોત્સાહન સહિત આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે. તે મુજબ નવા સ્ટાર્ટ અપ માટે સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશનમાંથી 100 ટકા માફી આપવામાં આવશે. તે સિવાય સરકાર ઇન્ક્યુબેટર્સને પાંચ વર્ષ સુધી વીજળી કરમાં છૂટ આપશે તેમજ 1 કરોડ સુધીની કિંમતમાં સોફ્ટવેરની ખરીદી કરવા માટે સહાય કરશે.

સ્ટાર્ટ અપ માટે સરકાર દ્વારા રજીસ્ટ્રેશન ફી અને સ્ટેમ્પ ડ્યુટી પર 100 ટકા ડિસ્કાઉન્ટ આપશે. તે સાથે જ લોકલ પેટન્ટ અને આંતરરાષ્ટ્રીય પેટન્ટ માટે પણ સહાય આપવામાં આવશે.