RSSના રાજકોટ વિભાગના પૂર્વ સેવા પ્રમુખ અને દાંતના ડૉક્ટર પ્રફુલભાઇ પ્રાણલાલ દોશીનું તારીખ 13મી ની સાંજે દિલ્હીમાં નિધન થયું હતું. તેમનું નિધન થયું ત્યારે તેમની સાથે તેમના પુત્ર, પુત્રી, પુત્રવધુ, જમાઇ અને અન્ય પરિવારજનો હાજર હતા.
દિલ્હીની હોટલમાં હાર્ટ ફેઇલ્યોરને કારણે તેમનું નિધન થયું હતું. તેમનું નિધન થયું તે અગાઉ જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
વડાપ્રધાન મોદી સાથેની તેમની આ અંતિમ મુલાકાત વિશે મોદીએ પણ ફેસબુક પર પોસ્ટ કરી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે અપાર આનંદને અપાર દુઃખમાં પરિવર્તિત થતા વાર નથી લાગતી. તેનો અનુભવ આજે મને થયો. રાજકોટના જૂના સાથી અને તેમના પરિવાર સાથે મળીને જૂની યાદો તાજી કરી અને થોડીવાર પછી સમાચાર આવ્યા કે તેમનું નિધન થયું છે. મોદીએ તેમના પરિવારજનો સાથેનો ફોટો પણ શેર કર્યો હતો.
પ્રફુલભાઇના પાર્થિવદેહને તારીખ 14મી ના રોજ વિમાનમાર્ગે દિલ્હીથી અમદાવાદ અને ત્યાંથી રાજકોટ લવાયો હતો. પ્રફુલભાઇના પિતા પ્રાણલાલ વૃજલાલ દોશી આરએસએસમાં વર્ષોથી કાર્યરત હતા. નરેન્દ્ર મોદીને પી.વી.દોશીના પરિવાર સાથે સારો ઘરોબો હતો. પ્રફુલભાઇ પણ પિતાના પગલે આરએસએસમાં રાજકોટ વિભાગના સેવા પ્રમુખ તરીકે જોડાયા હતા.

/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/07/8d43e7a7-aad0-465d-93e7-5ce89fa13011.jpg)