પાકિસ્તાનમાં નવેમ્બરમાં યોજાનાર વાર્ષિક સાર્ક સંમેલન રદ કરવામાં આવ્યું છે. ભારત સહિત અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ભૂટાને પણ આ સંમેલનનો બહિષ્કાર કર્યો છે.

ઉરી એટેકમાં ભારતના 18 જવાનો શહીદ થયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવભર્યા બન્યા છે. ત્યારે ભારતે મંગળવારે જ પોતાનો સ્પષ્ટ નિર્ણય કહી દીધો હતો. ભારતે જણાવ્યું હતું કે ક્ષેત્રીય સહયોગ અને આતંકવાદ સાથે સાથે ના રહી શકે.

આ મામલે ભૂટાને જણાવ્યું હતું કે દક્ષિણ એશિયામાં વધતો જતો આતંકવાદ અમારા માટે ચિંતાનો વિષય છે. અફઘાનિસ્તાને જણાવ્યું હતું કે અમારા ત્યાં આતંકવાદ લાદવામાં આવ્યો હોવાથી હિંસા વધી છે. તેવામાં રાષ્ટ્રપતિ પોતાની જવાબદારીઓ નિભાવવામાં વ્યસ્ત હશે તો તેઓ સંમેલનમાં હાજર નહી રહી શકે.

જ્યારે બાંગ્લાદેશે જણાવ્યું હતું કે અમારા દેશના આંતરિક મામલે એક દેશની દખલગીરી વધી રહી છે. તેના કારણે એવો માહોલ સર્જાયો છે કે સંમેલનનું સફળ આયોજન ન થઇ શકે.

સાર્ક સંમેલન રદ થતાં પાકિસ્તાનને વિખુટુ પાડવા માટેની ભારતની મોટી જીત છે. જોકે, આ સંમેલન રદ થયું છે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.