ઇસ્લામી વર્ષનો પ્રારંભ કુરબાની થી તેમજ ઇસ્લામી વર્ષની પુર્ણાહૂતી પણ કુરબાનીથી થાય છે. ઇસ્લામી વર્ષના પ્રારંભનો માસ એટલે મોહર્રમ જે માસમાં કરબલાના તપતા રણમાં યઝીદીઓ સામે સત્યના કાજે જંગ લડતા લડતા ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મુહમ્મદ સાહેબના નવાસાઓએ શહીદી વ્હોરી હતી.જયારે ઇસ્લામી વર્ષના અંતમાં અાવતા ઝિલ્હજ માસમાં અલ્લાહના અાદેશથી હઝરત ઇબ્રાહિમ ખલીલુલ્લાહ અ.સ. પોતાના પ્યારા પુત્ર હઝરત ઇસ્માઇલ અ.સ.ને કુરબાન કરવા તૈયાર થઇ ગયા હતા.
આજથી 1400 વર્ષ પહેલા કરબલાના તપતા રણમાં સત્યના કાજે પોતાના અમૂલ્ય પ્રાણ ન્યોછાવર કરનાર હઝરત ઇમામ હુસૈન ર.અ. તથા હઝરત ઇમામ હસન ર.અ. અને તેમના જાંબાઝ સાથીઓની યાદમાં મુસ્લિમ સમુદાય દ્ધારા પરંપરાગત રીતે દર વર્ષે દસ દિવસ સુધી મોહર્રમ માસ નિમિત્તે વિશેષ તકરીરોના કાર્યક્રમો યોજાય છે. જેમાં સત્યના કાજે પોતાના મહામૂલા પ્રાણોની અાહૂતિ અાપી ઇસ્લામ ધર્મને બચાવનાર શહીદોની શહીદી ગાથા પર પ્રકાશ પાડતા ચોટદાર બયાનો દસ દિવસ સુધી રોજ રાત્રે ઇશાંની નમાઝ બાદ નામાંકિત અાલિમો દ્ધારા કરવામાં અાવતા હોય છે.
અા વર્ષે પણ મોહર્રમ માસ નિમિત્તે પાલેજ નગરમાં અાવેલા મદની હોલ ખાતે અંજુમને અનીસુલ ઇસ્લામ કમિટી તથા પટેલ ફ્રેન્ડઝ સર્કલના સંયુકત ઉપક્રમે દસ દિવસીય તકરીરી કાર્યક્રમો યોજાશે.
