સુરતમાં આજે આજે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે એક પત્નીએ પોતાના બ્રેન ડેડ પતિનું હ્રદય દાન કરીને સમાજમાં એક ઉદાહરણ આપ્યુ હતું.

આ અંગે પતિનું દાન કરનાર કાશ્મીરા પટોળિયાએ ખૂબ આંસુ સાર્યા બાદ મૌન થઇ ગયા અને પછી હસતા વદને જણાવ્યું હતું કે એમણે જીવ આપીને હ્રદય દઇ દીધુ ! મારા માટે આ નિર્ણય સહેલો નહોતો. કોઇપણ પત્ની માટે આવો નિર્ણય સહેલો હોતો નથી.

unnamed

તેમણે વધુમાં જણાવ્યું હતું કે એ દિવસે પેટ્રોલપંપ પરથી એમણે મારી સાથે છેલ્લી વાર વાત કરેલી, ‘જમવાનું તૈયાર રાખ, હું દસ મિનિટમાં પહોંચું છું..!’ હજી સુધી એ દસ મિનિટ મારી જીંદગીમાં આવી નથી. એમનો એક્સિડંટ થયો હતો અને મેં એમને હોસ્પિટલમાં છેલ્લી વાર જોયા ત્યારે એ શરીરથી જીવતાં હતા પણ દિમાગથી ‘ડેડ’ થઇ ચૂક્યા હતા.

કાશ્મિરા બેને આગળ જણાવ્યું કે, ડોક્ટરે ડોકું ધૂણાવી સમજાવી દીધું કે હવે અઘરું છે. પગ નીચેથી જમીનનું સરકી જવું કેવું હોય એ મને સમજાયું. મેં એમના કપાળ પર હાથ ફેરવ્યો-એ કોઇ પ્રતિક્રિયા આપી રહ્યાં ન્હોતા-આપવાનાં પણ ન્હોતા. ડોક્ટરે પૂછ્યું, હૃદય સાબૂત છે, ડોનેટ કરવું છે. ખાટલા પર ચત્તાપાટ એ સૂતા હતા, એમનું હૃદય સાબૂત હતું પણ મારું ન્હોતું…જે માણસને-જે માણસનાં હૃદયને મેં આખી જીંદગી ચાહ્યું હતું, એ એનાં શરીરમાંથી કાઢીને દાનમાં દઇ દેવાનું હતું…!!

ભારે હ્રદય સાથે તેમણે ઉમેર્યું કે મને થયું થોડા દિવસો માટે નિર્ણય ટાળી દઉં-કદાચ, એ જાગે તો પણ મેડિકલી એ શક્ય ન્હોતું. એમનો એક્સિડંટ થયા પછી કોઇ ચમત્કાર પર મને ભરોસો ન્હોતો. એમનું હૃદય આપી દેવા મેં હા પાડી. હૃદય કાઢી લેવા એમનાં શરીર પર વાઢકાપ થતી હતી ત્યારે ડોક્ટરની કાતર મારી છાતી પર ફરતી હોય એવું લાગેલું. એમનાં શરીરમાંથી હૃદય નીકળી ગયું અને એ ગયા.

પણ જેમનાં શરીરમાં એમનું હૃદય મૂકાયું એ જીવી ગયાં. ખૂબ શાંતિથી વિચાર્યું ત્યારે સમજાયું કે એ પળ રડવાની ન્હોતી, એ તો આનંદની પળો હતી. જે માણસને મેં આખી જીંદગી પ્રેમ કર્યો હતો, એમણે એમનું હૃદય આપીને કોઇની જીંદગી બચાવી હતી. એક બૂઝાઇ રહેલી મીણબત્તી એક નવી મીણબત્તી પ્રગટાવી રહી હતી-આ હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ન્હોતું, જ્યોતનું ટ્રાન્સપ્લાન્ટ હતું, અજવાળાનું ટ્રાન્સપ્લાન્ટ હતું.

unnamed-2

એક ભાવુક પત્નીના પતિના ધબકતા હૈયા સાથે ભરત મોદીએ જણાવ્યું હતું કે એ દિવસો ખૂબ જ મુશ્કેલીભર્યા હતા. સુરતના બધા જ તબીબોએ જણાવી દીધું હતું કે હું બચવાનો નથી. જીંદગીની દરેક સાંજે ભય રહેતો કે સવાર થશે કે નહી. ત્યારે મુંબઇના તબીબોએ જણાવ્યું હતું કે તમારું હ્રદય બદલી નાંખવુ પડશે.

તેમણે કહ્યું કે અમે હ્રદય માટે અરજી કરી. હું જ્યારે હ્રદયની રાહ જોઇ રહ્યો હતો ત્યાર જીવન અને મૃત્ય વચ્ચેના ઘોર અંધકારમાં આશાનું કિરણ દેખાયુ જ્યારે ડૉક્ટરે કહ્યુ કે મને હ્રદય મળી ગયું છે અને સુરતથી હ્રદય આવશે.

વધુમાં ભરત મોદીએ જણાવ્યું હતું કે મારુ ઓપરેશન કરાયુ અને હું જીવી ગયો. આજે મારા શરીરમાં એક અન્ય વ્યક્તિનું હ્રદય ધબકી રહ્યું છે. જે હ્રદય અત્યાર સુધી બીજા કોઇને જીવાડતુ હતું તે આજે મને જીવાડે છે.