ભારત – ન્યૂઝીલેન્ડ વચ્ચેની શ્રેણી અંતિમ મુકામ તરફ આવી પહોંચી છે. તારીખ 7મીનાં રોજ બંને ટીમ વચ્ચે ત્રીજી અને નિર્ણાયક ટી – 20 મેચ રમાશે. ત્રણ મેચની પ્રથમ ટી – 20માં ભારતનો 53 રને અને બીજી ટી – 20માં ન્યૂઝીલેન્ડનો 40 રને વિજય થયો હતો.
ટી – 20 શ્રેણીમાં કઇ ટીમ કબ્જો જમાવે છે. તેના ઉપર આજે ફેંસલો થશે. જોકે, આ રસપ્રદ મુકાબલામાં વરસાદ વિલન બને તેની પૂરી સંભાવના છે.
છેલ્લા ત્રણ દિવસથી તિરુવનંતપુરમ્માં સતત વરસાદ પડી રહ્યો છે અને જેના કારણે જ્યાં મુકાબલો ખેલાવવાનો છે તે ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પણ કવર હેઠળ જ છે.
જોકે, કેરળ ક્રિકેટ એસોસિયેશનનાં કેટલાક અધિકારીઓને આજનો મુકાબલો ખેલાશે તેવો આશાવાદ છે. કેરળ ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી જયેશ જ્યોર્જે મિડીયાને જણાવ્યુ હતુ કે, ‘આ સ્ટેડિયમમાં પાણીના નીકાલની વ્યવસ્થા ખૂબ જ સારી છે. દિવસ દરમિયાન વરસાદ પડે તો પણ સાંજે આ સ્ટેડિયમ યજમાની કરવા તૈયાર થઇ જશે.
