રાજકોટમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો પોકાર શરૂ થઇ ગયો છે. આજે પાણીની સમસ્યાને લઇને કાંગસિયાળી ગામનાં લોકોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કર્યુ હતુ. બીજી તરફ જિલ્લા કલેક્ટરે પાણીનાં પ્રશ્ને બેઠક યોજીને ઉનાળાનાં દિવસો કપરા ન થાય તે માટે આગોતરૂ આયોજન કર્યુ છે.
રાજકોટની જિલ્લા કેલકટર કચેરીમાં પાણી પાણીની પોકાર ગ્રામજનોએ કરી હતી. હજી તો ઉનાળાની શરૂઆત નથી થઈ ત્યાં જ પાણી માટેનો સંઘર્ષ શરુ થઇ ગયો છે.જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લોધિકા તાલુકાનાં કાંગસિયાળી ગામનાં લોકોએ પાણી પ્રશ્ને હોબાળો મચાવ્યો હતો.કાંગસિયાળી ગામનાં વિસ્તારમાં આવેલી સાત થી આઠ સોસાયટીનાં આઠ હજાર થી વધારે લોકોને છેલ્લા ઘણા સમય થી પાણીની કોઇ વ્યવસ્થા કરવામાં આવતી ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.
બીજી તરફ ઉનાળાનાં દિવસોમાં પાણીની સમસ્યા ન રહે તે માટે તંત્ર દ્રારા આગોતરુ આયોજન કરવામાં આવ્યુ હોવાનો દાવો કર્યો છે.જિલ્લા કલેક્ટરનાં કહેવા પ્રમાણે રાજકોટ જિલ્લાનાં જળાશયોમાં 15 માર્ચ સુધી પાણીની કોઇ સમસ્યા નહિ રહે અને ત્યારબાદ રાજકોટ જિલ્લાનાં 157 જેટલા ગામોમાં તેની અસર થશે. જેની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.હાલમાં રાજકોટ જિલ્લામાં કુલ 266 ગામો નર્મદા-મહી પરિએજ થી આધારિત છે. જ્યારે 119 ગામોમાં સ્થાનિક ડેમ અને બોરથી પાણીના સ્રોત છે.
જ્યારે જિલ્લાનાં જેતપૂર,ધોરાજી,ઉપલેટા અને ભાયાવદર અને ગોંડલ ભાદર આધારિત છે. જેમાં 31 જુલાઇ સુધી ચાલે તેટલુ પાણી છે.
જો 31 માર્ચ થી પાણી ખૂટી જાય ત્યાર બાદ વૈકલ્પિક વ્યવસ્થા માટે 11 કરોડની યોજના તૈયાર કરવામાં આવી છે,જિલ્લા કલેક્ટરે 15 માર્ચ પછી જિલ્લાનાં સૌથી વઘારે 83 જેટલા ગામો અસરગ્રસ્ત જાહેર કર્યા છે. જેમાં 38 ગામોમાં કૂવા ગાળવાની પરવાનગી આપવામાં આવી છે. જ્યારે 599 ટેન્કર ફેરાની પણ મંજૂરી આપી દેવામાં આવી છે.
હાલમાં 15 માર્ચ બાદ જિલ્લામાં પાણીની સમસ્યા ઉભી થાય તેવી શક્યતા છે,જો કે જિલ્લા કલેક્ટર દ્રારા સ્થાનિક સ્રોત પીવાના પાણી માટે અનામત રાખવાની જાહેરાત કરી છે. જેથી સિંચાઇનું પાણી ખેડૂતોને નહિ મળે તેવી પણ સ્પષ્ટ વાત કરી છે,રાજકોટ જિલ્લાની સાથે સાથે જો નર્મદાનું પાણી પુરતા પ્રમાણમાં નહિ મળે તો રાજકોટ શહેરમાં પણ પાણીની સમસ્યા ઉભી થઇ શકે છે. ત્યારે ઉનાળો કેટલો કપરો બને છે તે જોવાનું રહેશે.
