રાજકોટમાં કારના કાચ તોડી તેમજ એકટીવાની ડેકીના લોક તોડી તેમાથી રોકડ રકમ તફડાવતી ગેંગના બે સભ્યોની એ ડિવિઝન પોલિસે ધરપકડ કરી છે. તો અન્ય એક આરોપી હજુ પોલીસ પકડથી દુર છે. પોલિસે હાલમાં આરોપીઓ પાસેથી રોકડ રૂ.2.35લાખ સહિત 3.33 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા એ.ડિવિઝ પોલિસ સ્ટેશનના પીઆઈ વિજય ઓડેદરા એ જણાવ્યુ હતુ કે, પાંચેક દિવસ પહેલાં એડિવિઝન પોલિસ સ્ટેશનની હદમાં બે ચોરીના ગુનાઓ બન્યા હતા. જે બંને ગુનાઓમા મોડસ ઓપરેન્ડી સરખી હોવાથી પોલીસની ટીમ દ્વારા સીસીટીવી ફુટેજ ચેક કરવામાં આવ્યા હતા. જે બાદ આઈવે પ્રોજેકટની મદદથી બે શખ્સોની ભાળ મળતાં તેમની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે ઝડપી પાડેલા સુરેશ ઉ.વ 25 અને હરીશ ઉ.વ 22 બન્ને રહે.ઔરંગાબાદ(મહારાષ્ટ્ર)ની પુછપરછમાં તેમણે રાજકોટમાં આચરેલા ગુના અંગે જણાવતા કુલ સાત ગુનાઓ આચર્યાની કબુલાત કરી હતી. પકડાયેલ આરોપીઓએ પોતાની મોડસ ઓપરેન્ડી જણાવતા કહ્યું હતું કે, તેઓ આંગડીયા પેઢીની બહાર વોચમાં રહેતા જેથી કોઈ આંગડીયા પેઢીને ત્યાં પૈસા લેવા આવે તે બાદ તેનો પીછો કરતા. મોકો મળે કે તુરંત જે તે કાર અને એકટીવામાં રહેલા પૈસાની ચોરી કરી નાસી જતા હતા. હાલ આરોપીઓ પાસેથી હાલ 3.33 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામા આવ્યો છે. જો કે બાકીનો મુદ્દામાલ રિકવર કરવાની કવાયત ચાલી રહી છે. તેમ જ હજુ તેમનો એક સાથી પકડવાનો બાકી છે.
