મહેસાણામાં પટાવાળાની ચાલીમાં શનિવારે બપોરે મકાનના રૂમમાં માતાને દુપટ્ટા વડે ગળે ટૂંપો ખાધેલી હાલતમાં જોઇ ૧૨ વર્ષનો જીગર બાજુમાં રહેતા કાકા પાસે દોડી જઇ મારી મમ્મી લટકી ગઇ તેમ કહેતાં જ બનાવ સ્થળે લોકો ભેગા થઇ ગયા હતા. સિવિલમાં લાશનું પેનલ તબીબની મદદથી પીએમ કરાયું હતું. જ્યારે મહિલાના પરિવારે સિવિલમાં પહોંચી મહિલાના સાસરિયાં સામે આક્ષેપ કર્યા હતા.

પ્રાપ્ત વિગત અનુસાર પટાવાળાની ચાલીમાં રહેતા લાલાજી ઠાકોરના લગ્ન ૧૫ વર્ષ પૂર્વે અમદાવાદની સીતાબેન સાથે થયા હતા.તેઓને ૩ સંતાનો હતા. મહિલા મદદરૂપ થવા બીજાને ત્યાં ઘરકામ કરવા જતી હતી. શનિવારે બપોરે સીતાબેન છતે લોખંડની એંગલ પર દુપટ્ટા વડે ગળે ટૂંપો ખાઇ આપઘાત કર્યો હતો. આ સમયે ઘરે આવેલા ૧૨ વર્ષના જીગરે દરવાજાની તિરાડમાંથી અંદર જોતાં જ ધ્રુજી ઊઠ્યો હતો અને સીધો પડોશમાં રહેતા કાકા ભરતભાઇ પાસે જઇ મારી મમ્મી લટકી ગઇ છે, આથી દોડી આવેલા કુટુંબીઓની મદદથી મહિલાને ઉતારી સિવિલમાં લઇ જવાઇ હતી. પોલીસે પેનલ તબીબની મદદથી પીએમ કરાવ્યું હતું. ઝઘડાઓથી તંગ આવી આપઘાત કર્યો હોવાના આક્ષેપો કરાયા હતા.

ઉલ્લેખનીય છે કે, આપઘાતની ઘટના બાદ મહિલાની લાશ સિવિલમાં લાવતાં જ અહીં પહોંચેલા મૃતકના પતિએ લાશનું પીએમ કરાવવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો અને જો પીએમ કરશો તો આપઘાત કરી લઇશ તેવી ચીમકી ઉચ્ચારતાં સિવિલ પોલીસે તાત્કાલિક બનાવની જાણ એ ડિવિજન પીએસઆઇ પટેલને કરતાં તેઓ દોડી આવ્યા હતા.