અવાર નવાર આવા બેજવાબદાર તત્વો દ્વારા જાહેરમાં જોખમી રીતે કેમિકલ વેસ્ટનો નીકાલ કરવામાં આવતો હોય છે.

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં અવાર નવાર ખુલ્લામાં જોખમી કચરાનો નિકાસ, ગંદા પાણી જાહેરમાં છોડી દેવા સહિતના બનાવો સામે આવતા હોય છે. જે સ્થાનિક લોકોનાં સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક હોય છે. આવા સંજોગોમાં આજરોજ કોઈ અજાણ્યા સ્ક્રેપ ડિલર દ્વારા ખુલ્લા પ્લોટમાં કેમિકલ સળગાવી નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો.

કેમિકલ સળગાવતાંની સાથે જ આકાશમાં ધુમાડાના ગોટેગોટા વળ્યા હતા. આ કેમિકલયુક્ત ધુમાડો બાકરોલ ગામ સુધી પહોંચતાં લોકોમાં રોષ ફેલાયો હતો. લોકોએ આ સંદર્ભે કેટલીક ફરિયાદો પણ કરી હતી. ખુલ્લામાં કેમિકલનો જોખમી રીતે નિકાલ કરતા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ બાકરોલ ગામના રહિશો કરી રહ્યા છે.