બુટલેગર નહીં મળતાં પોલીસે તેની પત્નીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી

વડોદરા શહેરમાં આવેલી ગોત્રી પોલીસ દ્વરા પોતાનાં વિસ્તારમાં રહેતા એક બુટલેગરને ત્યાં દરોડા પાડી તેને દબોચી લેવા માટે સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન પોલીસને જે વસ્તુઓ હાથ લાગી તે ખરેખર ચોંકાવનારી બાબત હતી. બુટલેગરનાં ઘરે સર્ચ કરવા ગયેલી પોલીસને 107 નંગ પાસપોર્ટ હાથ લાગ્યા છે. જેથી પોલીસે બુટલેગરની પત્નીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરાની ગોત્રી પોલીસે પોતાના વિસ્તારમાં આવેલી ફૈઝુલ્લા ચાલીમાં રહેતા ભાગેડૂ બુટલેગર મુનાફ શેખને ઝડપી પાડવા માટે તેના ઘરે ઓચિંતિ રેડ કરી હતી. દરમિયાન તેના ઘરે સર્ચ કરતાં ઘરમાંથી એક પિસ્તોલ મળી આવી હતી. સાથે 2 નંગ જીવતા કારતુસ પણ મળ્યા હતા. જ્યારે પોલીસને ઘરમાંથી અલગઅલગ નામનાં 107 નંગ ભારતીય પાસપોર્ટ મળી આવ્યા હતા. આ પાસપોર્ટનો જથ્થો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જોકે બુટલેગર મુનાફ શેખ પોલીસને હાથ લાગ્યો નહોતો. પરંતુ પોલીસે તેની પત્ની સમીરાની આર્મસ એક્ટ હેઠળ અટકાયત કરી પાસપોર્ટ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.