શહેરમાં લોકોની અવર જવરથી વ્યસ્ત રહેતા માર્ગો ઉપર ઊભા રહી લોકોને દાન આપવા આગ્રહ કર્યો

કેરળ ખાતે આવેલા ભારે પૂરના કારણે અસરગ્રસ્ત થયેલા લોકોની મદદ માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા બજરંગ દળનાં કાર્યકરો રાહત માટે મેદાને આવ્યા છે. તેમનાં દ્વારા ભરૂચ જિલ્લામાં રાહત ફંડ એકત્રિત કરવામાં આવી રહ્યું છે.

ભારે વરસાદ હોવા છતાં પણ કેરલના પૂર અસરગ્રસ્તોને રાહત મળે અને ગુજરાત અને તેમાં પણ ભરૂચનું નામ મદદમાં વખણાય તેવા ઉદ્દેશથી ભરૂચની સામાજિક સંસ્થાઓ દ્વારા ગતરોજ પાંચ બત્તી વિસ્તાર, તુલસીધામ શાક માર્કેટ વિસ્તાર તથા ભરૂચનાં જાહેર માર્ગો પર ઉભા રહી લોકો પાસેથી પાંચ દસ રૂપિયા જેવી દાનની રકમ ભેગી કરી માનવતાનું કાર્ય કર્યું હતું.

એખ તરફ કેન્દ્ર સરકાર દ્વારા 500 કરોડ રૂપિયાની આર્થિક સહાય કેરલ માટે આપવાની જાહેરાત કરી છે. ત્યારે સામાજિક સંસ્થાઓ પોતાના દેશના કેરળ રાજ્ય માટે બે હાથે દાન કરવાની લોકોને સમજણ આપી હતી. લોકોએ પણ સ્વયંભૂ આ દાનની રકમ આપીને પોતે દેશના નાગરિક છે અને ભારત દેશ અમારો છે તેવી અનુભૂતિ કરી હતી.