ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના શિલુડી ગામમાં પડેલા ભારે વરસાદના કારણે ગામમાં વરસાદી પાણી ફરી વળતાં અનેક મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જવાની ઘટના સામે આવી છે.

બપોર બાદ અચાનક ભારે પવન અને ગાજવીજ સાથે વરસેલા ભારે વરસાદના કારણે ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં જળબંબાકારની પરિસ્થિતીનું નિર્માણ થયું છે. ધોધમાર વરસાદના કારણે શિલુડી ગામમાં વરસાદી પાણી ફરી વળતાં અનેક મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જવાની ઘટના સામે આવી છે. જોકે, મકાનોમાં પાણી પ્રવેશતાં જ સ્થાનિકોમાં દોડધામ મચી જવા પામી હતી.

આ સાથે જ કેટલાય મકાનોમાંથી લોકોને ઘરવખરીને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. વરસાદી પાણીના કારણે ગામના આંતરિક માર્ગો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેના કારણે વાહનોની અવરજવર પ્રભાવિત બની હતી. તો બીજી તરફ, વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા ગ્રામજનોએ માંગ કરી છે.