જીલ્લામાંથી દીવાલ ધરાશાયી થવાની 2 ઘટનાઓ સામે આવી

વરસાદી માહોલ વચ્ચે સ્વર્ણિમ લેક વ્યુ પાર્કની દીવાલ ધરાશાયી

પાલિકા વિપક્ષના સભ્યએ કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા

પ્રજાના ટેક્સના નાણાંનો વ્યય ગણાવી તપાસની ઉગ્ર માંગ કરાય

નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ અંદડીયાએ તપાસના આદેશ આપ્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં વરસાદી માહોલ વચ્ચે સ્વર્ણિમ લેક વ્યુ પાર્કની દીવાલ ધરાશાયી થવાની ઘટના સર્જાય છે, ત્યારે આ મામલે પાલિકા વિપક્ષના સભ્યએ ભ્રષ્ટાચાર તેમજ પ્રજાના ટેક્સના નાણાંનો વ્યય ગણાવી તપાસની માંગ કરી છે.

ભરૂચ શહેરમાં શોપિંગ મોલની કન્સ્ટ્રક્શન સાઈટની દીવાલ પડવાથી 2 લોકોના મોતની ઘટનાની હજુ તો શાહી સુકાઈ નથી ત્યાંતો જિલ્લામાં સર્જાયેલી વધુ એક ઘટનાએ તંત્રને દોડતું કર્યું છે. અંકલેશ્વર શહેરમાં વરસાદી માહોલ વચ્ચે સ્વર્ણિમ લેક વ્યુ પાર્કની 45 ફુટની દીવાલ એકાએક ધરાશાયી થઈ હતી. જોકે, મકાનોની વસાહત અને દીવાલ વચ્ચે વરસાદી કાન્સ હોવાથી સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની નોંધાય નથી. સમગ્ર ઘટનાને લઈને પાલિકા પ્રમુખ જીગ્નેશ અંદડીયાએ તપાસના આદેશ આપ્યા છે, અને જો દિવાલના નિર્માણ કાર્યમાં ખામી જણાશે તો કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યુ હતું.

હાલ ચોમાસાની શરૂઆત સાથે જ ભરૂચ જીલ્લામાંથી દીવાલ ધરાશાયી થવાની 2 ઘટનાઓ સામે આવી ગઈ છે. અંકલેશ્વર શહેરમાં નગરપાલિકા સંચાલિત સ્વર્ણિમ લેક વ્યુ પાર્કના નિર્માણ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરાયું છે, ત્યારે પાલિકા વિપક્ષે મામલાને ભ્રષ્ટાચાર તેમજ પ્રજાના ટેક્સના નાણાંનો વ્યય ગણાવી તપાસની માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાલિકા તંત્ર પ્રિ-મોન્સુન અને નબળા બાંધકામોની તપાસ કરતું હોવા છતાં 2 દિવસમાં 2 ગોઝારી ઘટનાઓએ તંત્રની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભા કર્યા છે.