નર્મદા જિલ્લાની તિલકવાડા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી 2 કાર સાથે લાખો રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ મથકનો સ્ટાફ વજેરીયા આઉટ પોસ્ટ ખાતે નાકાબંધી કરી વોચમાં હતો, તે દરમિયાન GJ-13-AR-7877 તથા GJ-36-AJ-9421 નંબરની ફોરવીલ ગાડી આવતા વજેરીયા આઉટ પોસ્ટ ખાતે નાકાબંધી જોઈ બંને ગાડી ચાલક ભાગી નીકળ્યા હતા, ત્યારે આગળ જતા બંજેઠા ચેક પોસ્ટ ખાતે પણ નાકાબંધી જોઈ બંને ફોરવીલ ગાડી ચાલક જલોદરા એપ્રોચ રોડ તરફ પોતાની ગાડી ભગાડી મૂકી હતી.
જોકે, બંને ગાડી સાથે મુદ્દામાલ મુકી અંધારાનો લાભ લઈ ઝાડી ઝાખરામાં ભાગી નીકળ્યા હતા આ ઘટનાને પગલે તિલકવાડા પોલીસ સ્ટાફના માણસોએ ફિલ્મી ઢબે બંને ગાડીનો પીછો કર્યો હતો, અને જલોદરા એપ્રોચ રોડ ખાતે બંને ગાડીઓ કબજે કરી ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો. તિલકવાડા પોલીસે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ નંગ 1608 જેની કીમત રૂપિયા 3,92,328 તથા 2 ફોર વીલ ગાડી જેની કિંમત રૂપિયા 10 લાખ મળી કુલ 13, 92,328 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ભાગી નીકળેલા બંને ગાડીના ચાલકોને ઝડપી લેવા આગળની તજવીજ હાથ ધરી છે.
