અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારનો બનાવ

પાણીની લાઇનનું ચાલી રહ્યું હતું કામ

કામગીરી દરમ્યાન ટ્રક ફસાઈ

રેતી ભરેલી ટ્રક ફસાઈ જતા દોડધામ

ટ્રકને બહાર કાઢવાની કવાયત

અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં પાણીની લાઈનની કામગીરી દરમ્યાન રેતી ભરેલી ટ્રક ફસાઈ જતા દોડધામ મચી જવા પામી હતી.

અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં જીયુડીસી દ્વારા ચાલી રહેલી પાણીની લાઇનની કામગીરી દરમિયાન અચાનક જમીન બેસી જતાં રેતી ભરેલી એક ટ્રક રસ્તા પર જ ફસાઈ ગઈ હતી. ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પાણીની લાઇનના કામને કારણે રસ્તાનો એક ભાગ નબળો પડ્યો હતો. તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી રેતી ભરેલી ટ્રકના પૈડા ધસી જતાં ટ્રક રસ્તા વચ્ચે જ અટવાઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્રની ટીમ સ્થળ પર પહોંચી હતી. ટ્રકને બહાર કાઢવા માટે સૌથી પહેલા તેમાં ભરેલી રેતી ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ  જરૂરી સાધનોની મદદથી ટ્રકને સલામત રીતે બહાર કાઢવાની કવાયત શરૂ કરવામાં આવી હતી.આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાની ઘટના નોંધાઈ નથી.