પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના આંબાવાડિયા ગામે પ્રેમસંબંધની અદાવતમાં બે પરિવારો વચ્ચે થયેલા ધિંગાણામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીના પિતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના આંબાવાડિયા ગામે ગત તા. 4 જુલાઈના રોજ પ્રેમસંબંધની અદાવતમાં બે પરિવારો વચ્ચે ધિંગાણું સર્જાયું હતું. યુવક-યુવતીના પ્રેમસંબંધને લઈને બન્ને પરિવારો વચ્ચે અગાઉથી તકરાર ચાલી રહી હતી. જોકે, ઉગ્ર ઝઘડામાં લાકડી અને લોખંડની પાઇપ જેવા હથિયારો વડે હુમલો થતાં 4થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા, ત્યારે તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જેમાં યુવતીના પિતાનું સારવાર દરમિયાન મોત થતા મામલો હત્યાંની ઘટનામાં પરિણમ્યો છે. સમગ્ર મામલે પોલીસે ઘટનામાં હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.