રાજ્યમાં ફરી એકવાર દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. વાસ્તવમાં જૂનાગઢના નવા બાયપાસ હાઇવે પર શનિવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો.
આ તરફ અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી હાથ ધરી મૃતકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, અકસ્માતમાં જીવ ગુમાવનાર તમામ લોકો બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના રહેવાસી હતા. તેઓ પરિવાર સાથે ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં આ દુર્ઘટના બની હતી. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ મૃતકોના પરિવારજનોને માહિતી આપવામાં આવી હતી. તેમના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
જૂનાગઢ હાઇવે પર ભયાનક અકસ્માત, સોમનાથ જતાં પરિવારના 4 સભ્યોનાં મોત
