દેશભરમાં ચોમાસીની એન્ટ્રી છતાં પણ પરી એકવાર વરસાદ પર બ્રેક લાગી છે. કારણ કે અલનીનોએ ફરી એકવાર વળતો વાર કર્યો છે. જેના કારણે ગુજરાત અને તેના પાડોશી રાજ્યમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. 11 જુલાઈના હવામાન વિભાગે જાહેર કરેલી સેટેલાઈટ ઈમેજમાં 9 જુલાઈ સુધી દેખાતા વાદળો ઓચિંતા ગાયબ થઈ ગયા. ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાંથી વરસાદી વાદળો જાણે કે ગાયબ જ થઈ ગયા છે. વરસાદી વાદળો ગાયબ થતા ફરી એકવાર ચોમાસું નબળું પડ્યું છે. વાદળો ગાયબ થતા 10થી 15 જુલાઈ દરમિયાન વરસાદી પ્રવૃતિઓમાં નોંધપાત્ર ઘટાડાનું અનુમાન છે. જૂન મહિનામાં કેરળમાં આગમન થયા બાદ ચોમાસું લગભગ ત્રણ અઠવાડિયા સુધી અટકી પડ્યું હતું, જેના કારણે દેશમાં વરસાદની ભારે અછત સર્જાઈ હતી. જો કે, તાજેતરમાં થયેલા ધમાકેદાર વરસાદે જૂન મહિનાની ઘટને મોટાભાગે સરભર કરી દીધી છે.

જુલાઈની શરૂઆતમાં મધ્ય ભારત અને બંગાળની ખાડી પર સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમની શ્રેણીને કારણે ચોમાસું ફરી સક્રિય થયું હતું, જેના લીધે પશ્ચિમ, મધ્ય અને ઉત્તર ભારતમાં વ્યાપક વરસાદ પડ્યો છે. જુલાઈની શરૂઆતથી જ દૈનિક સરેરાશ વરસાદ લાંબા ગાળાની સરેરાશ કરતાં વધુ રહ્યો છે, જેનાથી જળાશયોમાં પાણીની આવક થઈ છે, જમીનમાં ભેજ વધ્યો છે અને વિવિધ રાજ્યોમાં ખરીફ પાકની વાવણીને વેગ મળ્યો છે. જોકે ફરી એકવાર વરસાદના વિરામથી જુલાઈના મધ્ય સુધીમાં દેશનો કુલ સિઝનલ વરસાદ ફરી એકવાર ‘સામાન્ય કરતાં ઓછા’ની શ્રેણીમાં સરકી શકે છે.આ સ્થિતિ એવા ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે જેમણે તાજેતરના સારા વરસાદમાં ડાંગર અને અન્ય ખરીફ પાકોની વાવણી કરી દીધી છે. કૃષિ નિષ્ણાતોના મતે, ચોમાસાના કુલ વરસાદ જેટલું જ મહત્વ વરસાદના સમયનું પણ છે. નવા વાવેલા ડાંગર અને અન્ય વરસાદ આધારિત પાકોને તેમના શરૂઆતના વિકાસના તબક્કામાં સતત ભેજની જરૂર હોય છે. વાવણીના તુરંત બાદ જો લાંબો વિરામ આવે, તો સિંચાઈની સુવિધા વગરના વિસ્તારોમાં નાના છોડ સુકાઈ જવાનું જોખમ રહે છે.હવામાન નિષ્ણાંતોના મતે સારો વરસાદ મેળવવા માટે આગામી અંદાજે એક અઠવાડિયા સુધી રાહ જોવી પડી શકે છે.