નવરાત્રીના પ્રારંભે ખેલૈયાઓમાં જોવા મળ્યો અનોખો ઉત્સાહ
સુરતના ખેલૈયાઓ હવે ‘એક્વા ગરબા’ તરફ આકર્ષિત થયા
ગુજરાત, ભારત કે દુનિયામાં લગભગ પહેલીવાર આયોજન
પાણીમાં ગરબા-ડાંડિયા કરવાનો ખેલૈયાઓને નવો અનુભવ
નવરાત્રીમાં એક્વા ગરબા યુવાનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યુ
ગુજરાતમાં નવરાત્રીના તહેવારની તૈયારીઓ વચ્ચે એક અનોખો અને નવો જ કન્સેપ્ટ જોવા મળ્યો છે. સામાન્ય રીતે આપણે જમીન પર ગરબા રમતા જોયા હશે, પરંતુ સુરતમાં લોકો હવે સ્વિમિંગ પૂલની અંદર ‘એક્વા ગરબા’ અને ‘પાણીમાં ગરબા-ડાંડિયા’ની મજા માણી રહ્યા છે
નવરાત્રી દરમિયાન ખેલૈયાઓમાં અનોખો ઉત્સાહ જોવા મળતો હોય છે, ત્યારે સુરતના ખેલૈયાઓ હવે ‘એક્વા ગરબા’ તરફ આકર્ષિત થયા છે. આ અંગે વાત કરતા જિન ભાવિતા પારેખે જણાવ્યું કે, “આ કન્સેપ્ટ એકદમ નવો છે. ગુજરાત, ભારત કે દુનિયામાં કદાચ પહેલીવાર આવું આયોજન કરવામાં આવ્યું છે.
પાણીમાં ગરબા અને ડાંડિયા કરવાનો આ બિલકુલ નવો અનુભવ છે. વર્કઆઉટના ફોર્મમાં પણ લોકો પાણીમાં ગરબા રમી રહ્યા છે, જે ખૂબ જ અદ્ભુત છે.” તેમણે ઉમેર્યું કે આ સેશનમાં અંદાજે 30થી 40 લોકો જોડાયા છે. સુરતીલાલાઓ હંમેશાં દરેક તહેવારમાં ધમાલ અને એન્જોયમેન્ટ કરવા માટે જાણીતા છે, અને અહીં પણ તે જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અન્ય એક સહભાગી અને યોગા ટીચરે જણાવ્યું કે, “પ્રોફેશનલી હું યોગા ટીચર છું અને યોગ ગરબા તો મેં કર્યા છે, પરંતુ મારા સ્ટુડન્ટ્સ સાથે ‘એક્વા ગરબા’ કરવાનો આ પહેલો અનુભવ છે. નોર્મલ ગરબામાં ખૂબ પરસેવો વળે છે, પરંતુ પાણીની અંદર ગરબા રમવાનો અને ડાંડિયા કરવાનો આનંદ જ અલગ છે. આનાથી લોકો પોતાનો બધો તણાવ ભૂલીને ખૂબ મસ્તી અને ફન કરી રહ્યા છે.” આમ, સુરતમાં સ્વિમિંગ પૂલની ઠંડક વચ્ચે પાણીમાં ગરબા રમવાનો આ અનોખો ટ્રેન્ડ યુવાનોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
