રાજ્યમાં મોટાપાયે ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે પણ ગુજરાત પોલીસ અને સંબધિત સુરક્ષા એજન્સીઓ પણ આ નાપાક ઈરાદો નાકામ બનાવી રહ્યા છે ત્યારે પહેલા કંડલા અને મુન્દ્રા પોર્ટ બાદ હવે પીપાવાવ પોર્ટ પરથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. DRI, કસ્ટમ અને ATS દ્વારા હાલમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું છે. પોર્ટ પરથી કન્ટેનરમાંથી મોટા પ્રમાણમાં નશીલી દવાઓનો જથ્થો મળ્યો છે. આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 9 હજાર કરોડ થવા જાય છે..
અમરેલીના પીપાવાવ પોર્ટ પર જપ્ત કરેલા કન્ટેનરમાંથી અંદાજે 9000 કિલો ડ્રગ્સ મળી આવ્યું છે, જે અત્યાર સુધીનું દેશનું સૌથી મોટું ડ્રગ્સ કન્સાઈન્મેન્ટ હોવાની સંભાવના છે. રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડવા માટે જે રીતે ઉત્તરાયણમાં દોરીને કલર પીવડાવવામાં આવે છે, તેવી રીતે સુતળી ઉપર ડ્રગ્સનો ઢોળ ચડાવીને તેને ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.પોર્ટ પરથી ડ્રગ્સ ઝડપાવાના વધતા કેસને લઈને કેન્દ્રીય એજન્સી વધુ સતર્ક બની છે. જેના ભાગરૂપે અમરેલી પીપાવાવ પોર્ટ પર ગઈકાલે કોંટ્રાન્સ લોજીસ્ટીકમાં કન્ટેનર સિઝ કરવામાં આવ્યું હતું તેમજ DRIની ટીમ દ્વારા કન્ટેનરમાં ડ્રગ્સની આશંકાને લઇ સેમ્પલ લેવામાં આવ્યા હતા.
DRI દ્વારા સેમ્પલ લઈને FSLમાં મોકલવામાં આવ્યા હતા.પીપાવાવ પોર્ટ નજીક ફોરવે પર કોન્ટ્રાન્સ લોજીસ્ટીક કંપનીમાં આયાતી કન્ટેનરો રાખવામાં આવે છે. અહીં કેટલાક કન્ટેનરો છેલ્લા એક માસથી જેમના તેમ પડ્યા છે. બાતમીના આધારે ડીઆરઆઇના ટીમ અહીં પહોંચી એક કન્ટેનરની ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. કન્ટેનરમાં ડ્રગ્સ જેવો પદાર્થ મળી આવ્યો હતો. જેને પગલે જરૂરી નમૂના લઇ લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા હતા. અને કન્ટેનર સીઝ કરી દેવામાં આવ્યું હતું. આ કન્ટેનર કયા દેશમાંથી આવ્યા છે અને ભારતમાં કઈ પેઢી દ્વારા તેની આયાત કરવામાં આવી છે તેની વિગતો હજુ બહાર આવી નથી.
