વૈભવ સૂર્યવંશીએ ટીમ ઇન્ડિયા માટે ડેબ્યૂ કરી લીધું છે. તે ભારત માટે ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરનારા સૌથી યુવા ખેલાડી બની ગયો છે. તેમણે 15 વર્ષ 99 દિવસની ઉંમરે પોતાનું ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું છે. વૈભવ હવે સચિન તેંડુલકરને પછાડીને સૌથી નાની ઉંમરે ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરનારા ભારતીય ક્રિકેટર બની ગયો છે.

ઈંગ્લેન્ડ સામેની બીજી T20 મેચમાં ભારતે સંજુ સેમસનને ડ્રોપ કરીને તેમની જગ્યાએ વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ ઇલેવનમાં તક આપી છે. સેમસન અત્યાર સુધીની છેલ્લી ત્રણ T20 ઇનિંગ્સમાં માત્ર 6 રન જ બનાવી શક્યો હતો.

અત્યાર સુધી સૌથી નાની ઉંમરે ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરવાનો ભારતીય રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો. તેમણે વર્ષ 1989 માં પાકિસ્તાન સામે 16 વર્ષ 205 દિવસની ઉંમરે પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી હતી. તેના 37 વર્ષ બાદ વૈભવે આ મામલામાં તેમને પછાડ્યા છે. વૈભવે માત્ર 15 વર્ષ 99 દિવસની ઉંમરે ભારત માટે પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમી.

છેલ્લા લગભગ એક અઠવાડિયાથી વૈભવ સૂર્યવંશીના નામ પર ખૂબ જ ચર્ચા ચાલી રહી હતી. ટીમ ઇન્ડિયાનો યુકે પ્રવાસ 26 જુનથી શરૂ થઈ ચૂક્યો હતો, પરંતુ આયર્લેન્ડ સામેની 2 મેચ અને ઇંગ્લેન્ડ સામેની પહેલી T20 મેચમાં વૈભવને ડેબ્યૂ કરવાનો ચાન્સ મળ્યો ન હતો. આખરે 4 જુલાઈની તારીખે વૈભવે પોતાનું ડેબ્યૂ કર્યું.