સુરત શહેરમાં સામાન્ય રીતે જ્યાં ઘર અને પરિવારની વાતો થતી હોય, તેવા એક રહેણાંક મકાનમાં જુગારનો મોટો દાવ ખેલાઈ રહ્યો હતો. ઉત્રાણ વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને જુગાર રમતી 7 મહિલાઓને રંગેહાથ ઝડપી પાડી છે.

સુરતના ઉત્રાણ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ઉમરાગામમાં આવેલી રાધે રેસીડેન્સીના એક બંધ મકાનમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે ઉત્રાણ પોલીસની ટીમે અચાનક દરોડો પાડ્યો હતો. જ્યારે પોલીસ ઘરમાં પ્રવેશી ત્યારે ત્યાંનો નજારો જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. ઘરમાં કોઈ પુરુષ નહીં, પરંતુ 7 મહિલાઓ એકઠી થઈને નસીબ અજમાવી રહી હતી અને જુગાર રમી રહી હતી.

પોલીસે રેડ દરમિયાન આ તમામ 7 મહિલાઓની ધરપકડ કરી લીધી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે મહિલાઓની અંગઝડતી કરી હતી, તેમજ દાવ પર લગાવેલા રોકડા રૂપિયા અને 6 નંગ મોબાઈલ ફોન કબજે કર્યા છે. પોલીસે કુલ રૂપિયા 1.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રહેણાંક સોસાયટીમાં મહિલાઓ દ્વારા જ આ પ્રકારે જુગારધામ ચલાવવામાં આવતા સ્થાનિક પંથકમાં પણ ભારે ચકચાર મચી ગઈ છે. હાલ તો ઉત્રાણ પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને પકડાયેલી મહિલાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.