અંકલેશ્વર શહેરમાં મુખ્ય માર્ગો પર રખડતા ઢોરોનો ત્રાસ અને તેના કારણે થતા અકસ્માતોની ભીતિ એક ગંભીર સમસ્યા છે ત્યારે નગરપાલિકા તંત્ર ટ્રાફિકને અડચણ રૂપ અડિંગો જમાવતા પશુઓને પકડવાની ઝુંબેશ હાથ ધરે તેવી માંગ ઉઠી છે

અંકલેશ્વર શહેરના  મુખ્ય માર્ગો પર રખડતા ઢોરોનો ત્રાસ અને તેના કારણે થતા અકસ્માતોની ભીતિ એક ગંભીર સમસ્યા છે. રસ્તાઓ પર અડિંગો જમાવીને બેસતા આ રખડતા ઢોર વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે જેના કારણે ટ્રાફિક જામ અને જીવલેણ અકસ્માતોની ઘટનાઓ સર્જાય છે.મુખ્ય માર્ગો પર અડિંગો જમાવતા ઢોરને કારણે  વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને સંધ્યાકાળે જ્યારે નોકરીયાત વર્ગ અને બજારોમાં લોકોની અવરજવર રહેતી  હોય છે ત્યારે પશુઓ મુખ્ય માર્ગો પર આવીને અડીંગો જમાવી દે છે. શહેરના સૌથી વ્યસ્ત ગણાતા ત્રણ રસ્તા સર્કલ ઉપર પશુઓનુ મોટું ઝુંડ રસ્તાની મધ્યમાં બેસી ગયું હતું .જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી.અતિ વ્યસ્ત માર્ગો પર રખડતા પશુઓના કારણે  ટ્રાફિક વ્યવસ્થા અને અકસ્માતની ભીતિ સેવાય  રહી છે ત્યારે નગરપાલિકા તંત્ર વહેલી તકે રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ હાથ ધરી પશુ માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરે તેવી લાગણી પ્રવર્તી છે