આગામી 16 જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે નર્મદા જિલ્લા પોલીસે સોમવાર (14 જુલાઈ)ની રાત્રે શહેરમાં ફ્લેગમાર્ચ યોજી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર (PI) સહિત પોલીસ અધિકારીઓ અને જવાનોના કાફલાએ રથયાત્રાના સમગ્ર રૂટ પર ફ્લેગમાર્ચ કર્યું હતું. યાત્રા જે માર્ગોથી પસાર થવાની છે તેમજ સમાપન સ્થળનું સ્થળ નિરીક્ષણ કરીને સુરક્ષાને લગતી તમામ તૈયારીઓની ચકાસણી કરવામાં આવી હતી.
પોલીસે ટ્રાફિક વ્યવસ્થા, ભીડ નિયંત્રણ, કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં જરૂરી બંદોબસ્ત અંગે અધિકારીઓને સૂચનાઓ આપી હતી. ફ્લેગમાર્ચનો મુખ્ય હેતુ શહેરમાં શાંતિ અને સુરક્ષાનો માહોલ જાળવવાનો તેમજ નાગરિકોમાં વિશ્વાસ વધારવાનો હતો.
નર્મદા જિલ્લા પોલીસે રથયાત્રા દરમિયાન તમામ શ્રદ્ધાળુઓને પોલીસ તંત્રને સહકાર આપવા અને શાંતિપૂર્ણ રીતે ઉત્સવની ઉજવણી કરવા અપીલ કરી છે.
