અંકલેશ્વર જીમખાનાના 2 ખેલાડીઓએ સોફ્ટ ટેનિસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. SGFI રાજ્યકક્ષાની અંડર-17 ભાઈઓની સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરનાર વ્રજ કે. પટેલ અને એરિક કે. પરમારની ગુજરાત રાજ્યની ટીમમાં પસંદગી કરવામાં આવી છે.બંને ખેલાડીઓ હવે મધ્યપ્રદેશના દેવાસ ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની SGFI અંડર-17 સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
નોંધનીય છે કે વ્રજ કે. પટેલની સતત ત્રીજા વર્ષે જ્યારે એરિક કે. પરમારની સતત બીજા વર્ષે રાજ્યની ટીમમાં પસંદગી થઈ છે.બંને ખેલાડીઓની આ સફળતા પાછળ તેમની સખત મહેનત, નિયમિત પ્રેક્ટિસ, શિસ્ત અને કોચના માર્ગદર્શનનો મહત્વનો ફાળો રહ્યો છે. આ સિદ્ધિથી જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમીમાં ખુશીનો માહોલ છવાયો છે. એકેડમીના કોચ, સંચાલકો અને વાલીઓએ બંને ખેલાડીઓને અભિનંદન પાઠવી રાષ્ટ્રીય કક્ષાએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.
અંકલેશ્વર: જિમખાના ટેનિસ એકેડમીના બે ખેલાડીઓની ગુજરાતની ટીમમાં પસંદગી
