બે વર્ષના વિરામ બાદ રામ ગોપાલ વર્માએ દક્ષિણ ભારતના કુખ્યાત ડાકુ અને ચંદનચોર વિરપ્પનના જીવન પર આધારિત ફિલ્મ ‘વિરપ્પન’ બનાવી છે.

ફિલ્મમાં 2004ની વાત કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ભારતના કર્ણાટક અને તમિલનાડુની સરહદ પર વિરપ્પનનો આતંક ફેલાયેલો હતો. વિરપ્પનને પકડવા માટેના બધા જ પ્લાન નિષ્ફળ જાય છે. ત્યારે એક ખાસ ઓપરેશન હેઠળ પોલીસ ઓફિસર પોતાની ટીમ સાથે વિરપ્પનને પકડવા માટે યોજના ઘડે છે. ત્યારબાદ ફિલ્મમાં વિરપ્પનની પત્ની મુથ્થુલક્ષ્મી અને પોલીસ અધિકારીની પત્નીની એન્ટ્રી થાય છે. ફિલ્મમાં અનેક ટ્વિસ્ટ બતાવવામાં આવ્યા છે. વિરપ્પનને પકડવા માટેની યોજના ફિલ્મને રોમાંચક બનાવે છે. જે અંત સુધી જકડી રાખે છે.

ફિલ્મમાં વિરપ્પનના પાત્રમાં સંદીપ ભારદ્વાજે પ્રાણ પૂરી દીધા છે. ઉપા જાધવે વિરપ્પનની પત્નીનો રોલ ખૂબ જ સરસ રીતે નિભાવ્યો છે. પરંતુ ફિલ્મમાં લિઝા રે અને સચિન જોષી દર્શકોને ઇમ્પ્રેસ કરવામાં નિષ્ફળ ગયા છે. ફિલ્મનું સંગીત પણ ખૂબ ઘોંઘાટિયું છે.

‘કંપની’, ‘શૂલ’ અને ‘સત્યા’ જેવી ફિલ્મો બનાવનાર રામ ગોપાલ વર્માનો ચાર્મ આ ફિલ્મમાં જોવા મળતો નથી. વિરપ્પનનો અંત કેવી રીતે આવ્યો હતો તે જાણવું હોય તો ફિલ્મ જોવા જેવી છે.