જંબુસર તાલુકાનું કાવી કંબોઈ. સ્તંભેશ્વર મહાદેવ મંદિરની કારણે આ સ્થળ લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અહીં દરિયો સ્વયંભૂ આવીને શિવજીને અભિષેક કરે છે. તો બીજી તરફ કાવી, દેગામ તથા આજુબાજુના કેટલાક ગામડાઓમાં દિન પ્રતિદિન જળસંકટ વધી રહ્યું છે. હજુ તો ઉનાળો શરૂ જ થયો છે. ત્યાં કેટલાક ગામડાંઓમાં લોકોએ કરેલાં પોતાના બોર અને કુવાઓમાં પાણીનું સ્તર નીચું જતું રહેતાં લોકો ચિંતિત બન્યા છે. પીવાના પાણીનો પ્રશ્ન ગ્રામજનોને અત્યારથી જ સતાવી રહ્યો છે.

જંબુસર તાલુકો વડોદરા અને ભરુચને જોડતો એક મહત્વપૂર્ણ તાલુકો ગણાય છે. જંબુસરનું કાવી ગામ સુપ્રસિધ્ધ સ્તંભેશ્વર મહાદેવનાં મંદિરને કારણે લોકોમાં યાત્રાધામ તરીકે પ્રખ્યાત છે. ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ પણ મંદિરના દર્શનાર્થે આવતા હોય છે. બીજી તરફ મંદિર માટે જેટલું ફેમસ છે તેટલો ગામનો વિકાસ થયો જ નથી. ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.

કાવી ગામમાં 16 હજારની વસ્તી હોવા છતાં લોકો માટે પીવાના પાણીની પુરતી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી નથી. લોકોની રોજીંદી પાણીની જરૂરિયાત અંદાજે પાંચ લાખ લીટરની છે જેની સામે હાલમાં ગામલોકોને માત્ર એક લાખ લીટર પાણી પુરૂં પાડવામાં આવે છે. જેના કારણે હાલ ગામલોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામમાં એક લાખ લીટર પાણી માત્રને માત્ર ગામના લોકોની ૧૦ ટકાથી ૨૦ ટકાની જરૂરિયાતો પૂરી થાય છે.

ગામના સરપંચે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા મારા ગામને પાંચ લાખ લીટર પાણી આપવાની હતી, જેની સામે હાલમાં માત્ર એક લાખ લિટર પાણીથી સંતોષ માનવો પડે છે. એ પણ અમે અમારા ગામમાં છ ઝોનમાં આ પાણી આપીએ છીએ. જેથી ઘણી વખત કેટલાક લોકો આ પાણીથી વંચિત પણ રહી જાય છે. ગામમાં પાણીના પ્રશ્નને લઈ લોકો વચ્ચે ઝઘડા પણ થાય છે. આ સમસ્યાનું નિરાકરણ વહેલી તકે આવે તેવી અમારી માંગ છે.

કાવી ગામ નજીક જ આવેલું દેગામ પણ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ત્યાં પીવાનું પાણી દોઢ મહિને એક વખત આવે છે. એ પણ 45 રૂપિયાના ભાવે વેચાય છે. ગામલોકોનું કહેવું છે કે અમારા ગામમાં તળાવ તો છે પણ તેનું પાણી પીવાલાયક નથી. અમારે પીવાનું પાણી બાજુના ગામમાંથી લાવવું પડે છે. સાતથી આઠ કિલોમીટર દૂર પાણી લેવા જવું પડે છે.

સ્થાનિક લોકોનાં કહેવા પ્રમાણે એમન ગામમાં કેટલીક નવવધૂઓ પાણીના ત્રાસને લીધે પોતાના પતિનું ઘર છોડી પિયર જતી રહી છે. લોકોનું કહેવું છે કે તંત્ર દ્વારા વહેલી તકે પાણીની સમસ્યા દૂર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની ફરજ પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે.